17 ઓક્ટોબરથી વિધિવત રીતે તહેવારોની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિ સાથે આવતાં મહિને પુષ્ય નક્ષત્ર, દિવાળી, ધનતેરસની ખરીદીનો લાભ શહેરના કાપડ, હીરા, જવેલરી, ઓટોમોબાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટના વેપારીઓને મળવાનું શરૂ થઈ ગયું છે. કોરોનાના કારણે સર્જાયેલી મંદીની સ્થિતિ ઝડપથી દૂર થઈ રહી છે.
કાપડ, હીરા અને જ્વેલરીની સાથે દિવાળી અને દિવાળી પછી લગ્નસરાની ખરીદીનો માહોલ શહેરના માર્કેટમાં જોવા મળી રહ્યો છે. કાપડ ઉદ્યોગની વાત કરવામાં આવે તો મોંઘા કાપડો કરતાં ડિસન્ટ કાપડની ડિમાન્ડ વધી છે. તો જ્વેલરીમાં પણ બંગડી, મંગળસૂત્ર, પાટલા તથા નેકલેસ-બ્રેસલેટ સેક્ટરમાં પણ ડિમાન્ડ નીકળી રહી હોવાનું જ્વેલર્સનું કહેવું છે.

જો એક્સપોર્ટ માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થાય તો અગાઉની દિવાળીની સમકક્ષ વેપાર આ દિવાળીએ પણ થાય તેવો આશાવાદ છે. આ વચ્ચે ખાસ કરીને પ્રથમ નોરતે તથા અષ્ટમી-દશેરાએ વાહનોની મોટા પ્રમાણમાં બુકિંગ જોવા મળતી હોઈ છે.

રૂ.5 થી 20 હજારના હીરાની સારી ડિમાન્ડ
સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુ વેકરિયાએ હાલ માર્કેટ ખૂબ જ સારું છે, ઘણાં મેન્યુફેક્ચરર્સ અને કારખાનેદારોએ એક-એક કલાકનો સવાર-સાંજ પ્રોડક્શન ટાઈમ વધાર્યો છે. જેમની પાસે ઘણું સારું કામ છે. રૂ.5 થી 20 હજારના જે નાની સાઈઝના ડાયમંડ્સ છે, તેની એક્સપોર્ટની સાથો-સાથ લોકલ માર્કેટમાં પણ સારી ડિમાન્ડ છે. તહેવારોના કારણે તેજી જોવા મળી રહી છે.

સાડીઓની ડિમાન્ડ વધુ, ટ્રાન્સપોર્ટ ચાલુ થાય તો વેગ મળે
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, તહેવારોના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં ખરીદીની રોનક જોવા મળી છે પરંતુ હજુ પણ માર્કેટ 50 ટકા જ છે. ટ્રેન-ફ્લાઈટ્સના અભાવે બહારગામના વેપારીઓ આવી રહ્યા નથી. એવામાં હેવી સાડીઓની ડિમાન્ડ ઓછી છે પરંતુ પ્રિન્ટેડ સાડીઓમાં સારી ડિમાન્ડ છે. જુનુ પેમેન્ટ તહેવાર સાથે ક્લિયર થાય અને ટ્રાન્સપોર્ટ પણ યથાવત થાય તો દિવાળી સારી જાય તેવી આશા છે.
હેચબેક અને સિડાન-એસયુવીમાં બુકિંગ સારું
ઓટો ડિલરોના અનુસાર ગત્ત વર્ષની સરખામણીએ ઓટોમોબાઈલ્સ સેગમેન્ટ સુધરી રહ્યું છે, 75 ટકા જેવું બુકિંગ હેચબેક સેગમેન્ટ્સમાં આવી ગયું છે. જ્યારે સિડાન કે એસયુવી જેવી મોટી ગાડીની વાત કરીએ તો 40 થી 50 ટકા બુકિંગ આવી ગયું છે. પાછલા વર્ષની સરખામણીએ ઓટો સેગમેન્ટમાં બુકિંગ જોવા મળે તેવો આશાવાદ છે.

40 ટકા જેટલી રિકવરી જ્વેલરી સેક્ટરમાં
સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલિમ દાગીનાવાલાએ જણાવ્યું કે, તહેવારોનો કોઈ માહોલ જ્વેલરી સેક્ટરમાં ખાસ એવો નથી પરંતુ લગ્નસરાંની ખરીદી સારા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી વેઈટલેસ જ્વેલરીની સારી ડિમાન્ડ હતી. તેની જગ્યાએ હવે વેઈટલેસ અને થોડી મિડીયમ-હેવી જ્વેલરીની પણ ખરીદી થવાની શરૂ થઈ છે. સોનાના વધતાં દરના સામે રોકાણ પણ વધી રહ્યું છે. દિવાળી આવતાં આવતાં પાછલા વર્ષની સરખામણીએ વેપાર થઈ જાય તેવી આશા છે. હાલ 40 ટકા જેવું માર્કેટ રિકવર જ્વેલરી સેક્ટરમાં થઈ ચૂક્યું છે.
