ક્રિકેટમાં જાતજાતના અખતરાઓ થતા રહે છે. ક્રિકેટને વધુ મનોરંજક બનાવવા ICC સતત પ્રયત્નશીલ છે. તેના જ ભાગરૂપે અત્યારે ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટનો પ્રયોગ ઓસ્ટ્રેલિયામાં થયો અને હવે આ પ્રયોગ ભારતમાં કલકત્તાના ઈડન ગાર્ડનના મેદાન પર ૨૦ નવેમ્બરથી થવા જઈ રહ્યો છે. આ પ્રયોગ ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે થઈ રહ્યો છે. મોટાભાગના લોકોએ આ પગલાને આવકાર્યું છે પરંતુ મહાન સચિન તેંડુલકરે આ મેચ વિશે થોડાં તથ્યો રજૂ કર્યા જે ખરેખર વિચારવાલાયક છે. આપણે આજે સચિનના મુદ્દાની સાથે બીજા પણ આનુષાંગિક મુદ્દાઓ જોઈશું
પ્રથમ આપણે ટેકનિકલ મુદ્દાઓ જોઈએ તો આ દિવસોમાં શિયાળો હોય, ઝાંકળનું પ્રમાણ ખૂબ રહે છે. દિવસમાં ત્રણ કલાક પત્યા પછી બાકીના સમયમાં બોલ સતત ભીંજાતો રહેશે એટલે સ્પિનરોને ગ્રીપમાં તકલીફ પડશે.વળી, ઈડન ગાર્ડનની પીચ પર પણ ગ્રાસ હોય તે ગ્રાસ પર ઝાકળમાં ભીનું થશે. તેથી બોલ સતત સ્કીટ થશે. LBW અને બોલ્ડની સંખ્યા વધશે. વળી વારંવાર LBW ના નિર્ણય આવવાથી DRS નો ઉપયોગ વધશે એટલે સમય વધું જશે. પહેલાં ત્રણ કલાક પછીના સમયમાં ઝાંકળને લીધે વારંવાર બોલને નેપકીનથી સાફ કરવો પડશે અને તેથી 90 ઓવર પતાવતા ખૂબ સમય જશે. આમ સમયનો ખાસ્સો વેડફાટ થશે. વળી, સતત બોલ ભીનો રહેવાથી મેદાન પર ટ્રાવેલ ઓછો થતાં લો સ્કોરિંગ મેચ થશે. બોલનો આકાર બદલાતો રહેશે. વારંવાર બોલ બદલવાની જરૂર પડશે. બોલની સીમ પણ સતત ભીની રહેતા બોલ અનઅપેક્ષિત મુવમેન્ટ કરશે જે બેટ્સમેનને તકલીફમાં મુકશે.

ભીના ગ્રાઉન્ડને લીધે સૌથી વધુ મુશ્કેલી ફીલ્ડરોને થશે અને કદાચ લપસવાને લીધે ખેલાડીઓને નાની-મોટી ઈંજરીઓઓ પણ થવાના કિસ્સા વધશે. ફાસ્ટ બોલરોને રનઅપમાં પણ દોડવાની મુશ્કેલી વધશે. વળી સફેદ બોલ લીલા ઘાસમાં પોપટી રંગનો થઈ જતો તો પિંક બોલ લીલા ઘાસમાં વધુ ઘેરો બની જતા બેટ્સમેનને જોવામાં તકલીફ નહીં પડે?
પ્રેક્ષકો વધુ આવશે એ કારણથી રમાતી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવાના આ પ્રયોગમાં મુખ્ય સવાલ એ છે કે સતત પાંચ દિવસ કોણ ઉજાગરો કરશે? વન ડે અને 20-20 એક દિવસની જ હોઈ લોકો એક દિવસનો ઉજાગરો કરી શકે પણ સતત પાંચ દિવસ અઘરું પડશે. ધંધા-રોજગારવાળા લોકોની કાર્યક્ષમતા પર પણ અસર પડશે. ખેલાડીઓ માટે પણ આ અઘરું છે કારણકે ટી-20 કે વન ડે માં બીજા દિવસે રજા હોય ખેલાડીઓને પૂરતો આરામ મળતો પરંતુ પાંચ દિવસની ટેસ્ટ મેચમાં સતત ઉજાગરા ખૂબ મુશ્કેલ પડશે. બોડી કલોક બદલાવાથી ખેલાડીઓની કાર્યક્ષમતા અને ફિટનેસનો પણ પ્રશ્ન ઉઠશે.
સાથે મોટો પ્રશ્ન એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં મતલબ જ કસોટી છે. જો સૂર્યપ્રકાશની ગરમીનો સામનો જ કરવામાં ન આવે તો, ખેલાડીઓની સાચી કસોટી કેવી રીતે થશે? વાતાવરણની વિવિધ અસરો કેળવીને ખેલાડીઓ કઈ રીતે ટેકલ કરશે? સૈાથી મોટો પ્રશ્ન ઊર્જાનો. Energy crisis ના સમયમાં મોડી રાત સુધી ફ્લડ લાઈટનો ઉપયોગ કેટલો હિતાવહ? કેટલી ઊર્જા વપરાશે અને તેને લઈને પ્રદૂષણ પણ ફેલાશે. આટલી સરસ કુદરતી પ્રકાશની વ્યવસ્થા સૂર્યપ્રકાશને લીધે ઉપલબ્ધ હોય તો આવા કૃત્રિમ પ્રકાશમાં રમાડવાનો શું ઉદ્દેશ? આ ઊર્જા કંઈ સરળતાથી નથી પેદા થતી. આટલી ઉર્જા મેળવવા સરકારે કેટ-કેટલા પ્રયત્નો કરવા પડતા હોય છે. આ ઊર્જા પેદા કરવા કોલસાનું દહન થઇ કેટલું પ્રદૂષણ પેદા થાય છે. વળી, મેચ પૂર્ણ થતા પ્રેક્ષકો પોતાના ઘરે જવા વાહનો વાપરશે તો રત્રીવેળા આ વાહનોના હોર્નને લીધે ભરનિંદ્રામાં લોકોની ઊંઘ પણ ખરાબ નહીં થાય? ખેર જોઈએ આવનાર સમયમાં શું થાય?

વળી, IPL જેવી મેચમાં એપ્રિલ મહિનો નક્કી હોય ઘરમાં મહિલાઓ પણ આ સ્વીકારી લે છે અને તેઓ પણ નાનું, મનોરંજક ફોર્મેટ હોય આનંદ માણે છે પરંતુ ટેસ્ટમેચ જોવા કોઈ મહિલા રાત્રે નથી બેસવાની અને પુરુષ ટેસ્ટ મેચ જોવા તૈયાર થશે તો કૌટુંબિક વિખવાદ પણ ટીવી જોવા માટે કદાચ વધી શકે? મહિલાઓની પ્રિય સિરીયલ અને પુરુષોની બોરિંગ ટેસ્ટ મેચ વચ્ચેની ખેંચતાણ વધશે.કદાચ નવા ટીવીની ખરીદી પણ વધે તો નવાઇ નહીં. સૌથી મોટો યક્ષ પ્રશ્ન કે લોકપ્રિયતા વધારવાના ભાગરૂપે જો આપણે ટેસ્ટ મેચના ક્લાસને મનોરંજક બનાવવા જઈશું તો ક્રિકેટનું કેટલું હિત થશે? ઓલરેડી ક્રિકેટના મનોરંજન ફોર્મેટ વન-ડે અને ટી-૨૦ છે જ તો ટેસ્ટ ક્રિકેટને આ રીતે પ્રદૂષિત કરવા કેટલા અંશે વ્યાજબી છે. એ તો સચિન, ગવાસ્કર, કપિલ, બોર્ડર, સ્ટીવ, વોઘ જેવા લિજેન્ડરી રિચાર્ડ્સ, લારા, કાલિસ જેવા લિજેન્ડરી ક્રિકેટરો જ આપી શકે.
જો રાત્રે ટીવી પર આ ડે-નાઈટ ટેસ્ટ મેચની TRP ઘટશે તો સ્પોન્સરો પણ કેટલો રસ ભવિષ્યમાં દાખવશે એ પણ જોવું રહ્યું અને ટેસ્ટ મેચ જોવા રાત્રે સ્ટેડિયમમાં કેટલા પ્રેક્ષકો પાંચ દિવસ આવશે તે પણ આવનાર સમયમાં જોવા મળશે. પ્રેક્ષકો મોડી રાત્રે સ્ટેડિયમમાં અને ખેલાડીઓ બોક્સ માં ચાલુ મેચે ઝોકાં મારતા દેખાય તો નવાઈ નહી.!!?
કેટલીક આસપાસની વાતો ડૉ નિલ દેસાઈની નવીન કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.