ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ખાતે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ હતી. જેમાં ટ્રેનના ગાર્ડની સતર્કતાથી એક મુસાફર ટ્રેનની નીચે આવતાં બચી ગયો હતો. ગાર્ડે સમયસર ઇમર્જન્સી બ્રેક લગાવતાં મુસાફરનો જીવ બચ્યો હતો. આ ઘટના સવારે 8:38 કલાકે સુરત સ્ટેશને બની હતી. ટ્રેન નંબર 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયે 8:32 કલાકે સુરત સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી. 5 મિનિટના રોકાણ બાદ 8:37 કલાકે તે ઉપડી હતી.

જો કે, ત્યારે લગભગ એક 40 વર્ષનો મુસાફર ટ્રેનના કોચ બી-6માંથી ઉતરવા જતાં તેણે પોતાનું સંતુલગન ગુમાવી દીધો હતો, અને ટ્રેનની લગભગ ઝડપ 20 કિમીની હતી. સ્ટેશન પર લોકો મુસાફરને બચાવવા માટે પાછળ-પાછળ દોડવા લાગ્યા હતા. ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર પડતાં તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. જેના પગલે ટ્રેન અટકી ગઇ હતી અને મુસાફરનો જીવ બચી ગયો. જોકે ટ્રેન અટકે ત્યાં સુધીમાં 30 મીટર સુધી તે ઘસડાતો રહ્યો હતો.
જાણો શું કહ્યું ટ્રેનના ગાર્ડે
ટ્રેન ગાર્ડ પ્રિયેશ સિંહે જણાવ્યું કે, ટ્રેન ચાલુ થયા બાદ મારી નજર અચાનક નીચે ઉતરવાની કોશિશ કરતાં મુસાફર પર પડી. જો હું આ બાબતની સૂચના લોકો પાયલોટને આપત અને તેઓ બ્રેક મારત ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હોત અને સંભવત: મુસાફરનો જીવ બચાવવો મુશ્કેલ થઇ જાત. આ સ્થિતિમાં મુસાફરનો જીવ બચાવવા માટે મને ઇમર્જન્સી બ્રેક લગાવવી જ યોગ્ય હતી.