હજી ચૂંટણીના સંપૂર્ણ પરિણામ જાહેર થઇ રહ્યા છે તે પહેલાં નવી સરકાર માટે નવી નીતિઓ શરૂ થઈ રહી છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે નવી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે. દેશના અર્થતંત્રને ઝડપથી વધારવા અંતર્ગત આ એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે.
2018-19ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 6.6 ટકા પર આવી ગયો છે. સૂત્રોનો જણાવ્યા પ્રમાણે ખાનગી રોકાણ, રોજગારી વધારવી અને ફાર્મ સેકટરને રાહત પહોંચાડવી તે સરકારનો પ્રમુખ એજન્ડા હશે.
આ સાથે જ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કર સંગ્રહ વધારવા અને ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવા પર ફોકસ રહેશે. જુલાઈમાં રજૂ થનાર પૂર્ણ બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબ અને ઈન્કમ ટેક્સના દરોમાં ફેરફારનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. મોદી સરકારના અંતિમ બજેટમાં તેના સંકેત આપવામાં આવ્યા હતા.
નાણામંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ક્રેડિટ ગ્રોથ અને બેન્કિંગ સેકટરમાં સ્થિરતા લાવવા જેવો મુદ્દો પણ 100 દિવસના એજન્ડામાં સામેલ થશે. બેન્કિંગ સેક્ટરમાં કોર્પોરેટ ગર્વન્સનું સ્તર સુધારવા પર પણ ફોકસ રહેશે.