સુરત અને ભરૂચ જિલ્લામાં સેના ખાડી અને કીમ નદી પર સીઆરઝેડ અને સીવીસીએ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવોને લઇ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(National Green Tribunal)માં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય, જલશક્તિ મંત્રાલય, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, સિંચાઇ વિભાગ, GCZMA, GPCB, ફિશરીઝ કમિશનર, ભરૂચ અને સુરત જિલ્લાના કલેકટરોને નોટિસ ફટકારી 6 અઠવાડિયામાં પોતાના જવાબો રજૂ કરવા આદેશ કર્યો છે.
પાણી ગામોમાં ભરાય જાય છે

અરજીમાં આક્ષેપો કર્યા હતા કે, લાંબા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો તેમજ મીઠાના અગરોના પાળા બનાવી દેવામાં આવ્યા છે. જેને કારણે વર્ષ 2019માં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઘણા ગામો અને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કીમનદીના ઉપરવાસના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ માનવસર્જિત પૂર જેવી પરિસ્થિત સર્જાઈ છે.
તપાસ સમિતીની રચના કરી તપાસની માંગ

પર્યાવરણવાદીઓના જણાવ્યા મુજબ, કીમ નદીમાં 80% અને સેના ખાડીના મુખ પ્રદેશમાં 90% જેટલું દબાણ ઝીંગા ફાર્મ અને સોલ્ટના પાળાઑને લીધે કરવામાં આવતા પાણી નિકાલના પ્રશ્નો સર્જાય છે.

ઉલ્લેખનીય છે કે, NGT ટ્રિબ્યુનલ પાસે તપાસ સમિતીની રચના કરી આ વિસ્તારોમાંથી ગેરકાયદેસર ઉભા કરેલા ઝીંગા તળાવો, પાળાઓ, મીઠાના અગરોના પાળાઓ દૂર કરી માછીમારોને નુકસાન તેમજ CVCA વિસ્તારોને નુકશાન બદલ ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેર કરનારાઓ પાસેથી વળતર વસૂલ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : હવે રિયાનો નવો દાવો, પોલીસની પાસે વીડિયો દ્વારા માંગી રહી છે મદદ
