હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર ધક્કા ખાવા નહિ પડે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એ મહત્વનો નિર્ણય લેવાયો છે બોર્ડ દ્વારા 1952માં માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપનાથી લઈ અત્યાર સુધી લગભગ પાંચ કરોડ માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા પછી અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરી નિયત કરેલી ફી ચૂકવવી પડશે આ કાર્યવાહી ઘરે બેઠા અઠવાડિયામાં કુરિયર મારફતે તમારી માર્કશીટ તમને મળી જશે.

માર્કશીટ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણાતુ હોવાથી ક્યારેક તે ખોવાઈ જાય અથવા તો ફાટી જાય ત્યારે ઘણા લોકોને તકલીફ વેઠવાનો વારો આવે છે. અને ડુપ્લીકેટ માર્કશીટ કરાવવાની ફરજ પડે છે. દર વર્ષે સરેરાશ 50 હજાર જેટલી ડુપ્લીકેટ માર્કશીટ ઈસ્યૂ થાય છે. પરંતુ ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અરજદારે ગાંધીનગર ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસે ધક્કા ખાવા પડતા હતા. નવી સિસ્ટમ અમલમાં આવ્યા પછી દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ગાંધીનગરના ધક્કા ખાવા નહિ પડે.
