ગુજરાતમાં હવે જમીન પચાવનારાઓની ખેર નથી. આજે રાજ્યમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ), 2022નું સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામા આવ્યુ હતુ.’ આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ સુધારા વિધેયક રજૂ કરતા મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, સામાન્ય ખેડુતોની જમીન હડપ કરી ભુમાફિયાઓએ તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાને આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભુમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે આ કાયદો અમલમા છે એના વધુને વધુ ઝડપ સાથે લાભો ગરીબ પરિવારોને થાય એ માટે આ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.

આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકારે કરેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અન્વયે કુલ 12,342 અરજીઓ મળી છે, તે પૈકી 1014.61 હેકટર જેટલી જમીન લગતની 818 અરજીઓ કમીટી દ્વારા મંજુર કરવામાં આવી છે, જેમાં 586 એફ.આઈ.આર. દાખલ કરી 2256 લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 336 કેસોમાં ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે.તેવી જ રીતે સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબીંગ માટે કુલ 499 અરજીઓ મળી છે, તે પૈકી 694.83 હેકટર જેટલી જમીન લગતની 121 અરજીઓ કમીટી દ્વારા મંજુર કરવામાં આવી છે. જેમાં 99 એફ.આઈ.આર. દાખલ કરી 478 લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 48 કેસોમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
મંત્રીએ આ સુધારા અધિનિયમ અંગેના હેતુઓ સ્પષ્ટ કરતા કહ્યુ કે, કેટલાંક ભુમાફીયા વિરૂધ્ધ આ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં કાયદાની કેટલીક છટકબારીઓનો લાભ લઈ ગુનામાંથી છટકવા માટે ગુજરાત હાઈકોર્ટનો આશરો લઈ મુળ અધિનિયમની કેટલીક કલમોને પડકારવામાં આવી છે. કાયદાની છટકબારીઓનો લાભ લઈને ગુનેગારો છટકી ન જાય તે હેતુથી મુળ અધિનિયમની કેટલીક જોગવાઈઓને રદ કરવા તથા ચાલુ જોગવાઈઓમાં કેટલાંક સુધારા કરવા જરૂર જણાતા હ્તા. જે અનુસંધાને (૧) ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) (સુધારા) વટહુકમમાં જે જમીનમાં અનુસુચિત આદિજાતી અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકારો માન્ય કરવા બાબત) અધિનિયમ- 2006 હેઠળ આવેલી અનિર્ણિત અરજીઓને આ એકટ હેઠળ મુક્તિ આપવી (2) વિશેષ કોર્ટ સમક્ષ આવી અરજીઓ પ્રથમ દર્શનીય રીતે નિરર્થક હોય તો વિશેષ કોર્ટ તપાસ કર્યા વિના અરજી નામંજૂર કરશે તથા વિશેષ કોર્ટ સમક્ષ સાક્ષીને પોતાની લેખીત સંમતિ વગર બોલાવી શકાશે નહીં અને પુરાવો રજુ કરવામાં નિષ્ફળ જાય તો પક્ષકારો દ્વારા કે વિશેષ કોર્ટ દ્વારા ટીપ્પણીનો વિષય બનાવી શકાશે નહીં (3) આ વટહુકમમાં અપીલ કોર્ટની હકુમત, કાર્યરીતી અને સત્તાઓ નિયત કરી છે (4) વિશેષ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાથી નારાજ થયેલ વ્યકિત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચુકાદો આવેલ તારીખથી 30 દિવસની અંદર અપીલ કરી શકશે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ ત્યાર પછીના 60 દિવસ સુધી અપીલ કરવાની પરવાનગી આપી શકશે.