ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ‘મહા’ વાવાઝોડું ટકરાવવાની ભારે આશંકાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. જેમાં મુખ્યમંત્રી એ કહ્યું હતું કે ગભરાવવાની જરૂરત નથી. કારણકે રાજ્ય સરકારનું તંત્ર બધી રીતે તૈયાર છે. મોસમ વિભાગની આગાહીને પગલે તૈયારી કરવામાં આવી રહી છે.

રાજ્યના મહેસુલ વિભાગના મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે 12,600 બોટ સમુદ્રમાં ગયા હતા જેમાંથી લગભગ 12 હજાર બોટ પાછી આવી ગઈ છે. બચેલી બોટોની પણ દરિયાકાંઠે જલદી પરત આવવાની સંભાવના છે. વધુમાં એમણે કહ્યું હતું કે પહેલી પ્રાથમિકતા સમુદ્રમાં ગયેલા માછીમારોને પરત લાવવાને આપવામાં આવી છે કારણ કે આવનારા સમયમાં સમુદ્રની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.
પ્રવાસીઓને દરિયા કાંઠા વિસ્તારમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે. તો બીજી બાજુ સાસણ, સોમનાથ , વેરાવળ અને દીવ ન જવાની સૂચના આપવામાં આવી છે.