હાલની વૈશ્વિક બીમારીએ પોતાના ભરડામાં નાની ઉમરના બાળકોને પણ લઈ લીધા છે. જાણવા મળેલા રિપોર્ટ પ્રમાણે જો કોઈ બાળક કોરોનાથી સંક્રમિત હોય તો તેને ડાયેરિયાની સાથે તાવ આવી શકે છે. ચીનમાં બાળકોમાં આવા ઘણા કેસો જોવા મળ્યા છે.
પેડિઆટ્રિક્સ ઇન ફ્રન્ટિઅર્સ જરનલના રિસર્ચ પ્રમાણે, જો બાળકોને ઉબકા અને ડાયેરિયા જેવા લક્ષણો દેખાય તો સાવધાન રહેવાની જરૂર છે. થોડા સમય પહેલા મોટી ઉંમરના લોકોમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા હતા. ચીનના આંકડાઓ પ્રમાણે તેમના 50 ટકા કોરોના દર્દીઓમાં પેટમાં દુખાવો, ઉલટી અને ડાયેરિટા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

વુહાનની ટોન્ગજી હોસ્પિટલમાં કરવામાં આવેલા આ રિસર્ચના હેડ ડો.વેનબિન લીના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના બાળકો કોરોનાના ગંભીર દર્દી નથી. અમુક જ કેસ ગંભીર છે. ચીનમાં જે કેસ સામે આવી રહ્યા હતા, તેમાં બાળકોમાં પેટની સમસ્યા જોવા મળી હતી.
ચીનના સંશોધનકારો અનુસાર, ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલા બાળકોમાં પહેલા પેટ સંબંધી કોઈ સમસ્યા નહોતી, પરંતુ પછીથી જ્યારે તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું તો બધા બાળકોને ન્યૂમોનિયા હોવાનું જાણમાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેમના શરીરમાં કોવિડ-19 વાયરસની ઓળખ થઈ હતી.
ડો. વેનબિનના જણાવ્યા પ્રમાણે, કોરોનાનું સંક્રમણ ફેલાવામાં મદદ કરનાર ACE-2 રિસેપ્ટર ફેફસાં સિવાય આંતરડાંના કોષોમાં પણ જોવા મળે છે. સંક્રમિત મળથી પણ આંતરડાં સુધી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.
ધ સનના એક રિપોર્ટમાં લંડનના બલહમ શહેરના રહેવાસી ઇસ્લા હસલમે તેનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, જ્યારે તે કોરોના વાઇરસથી પીડાઈ રહી હતી ત્યારે તેને પેટમાં અજીબ પ્રકારનો દુખાવો થયો હતો. એક દિવસ સવારે ઊઠી તો લાગ્યું કે ફૂડ પોઇઝનિંગ થયું છે. થોડા કલાકો પછી ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા લક્ષણો દેખાયા હતા. આ ખૂબ જ ડરામણો અનુભવ હતો.