અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને પતંજલિ કોલ્ડ્રિંક્સને સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શો કોઝ નોટિસ ફટકારી છે. આ બંને કંપનીઓને નિયમો મુજબ પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ ન બદલ નોટિસ ફટકારાઈ છે. સીપીસીબીએ આ માહિતી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં આપી છે.
નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ

ફ્લિપકાર્ટ અને પતંજલિને પ્રદૂષણ (પ્રોટેક્શન) અધિનિયમ 1986ની કલમ 5 હેઠળ આ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં બંને કંપનીઓ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) નિયમો-2017નું પાલન નહીં કરે તો કામગીરી બંધ કરવા અને પર્યાવરણીય વળતર આપવાનું કહેવામાં આવ્યું છે. સીપીસીબીએ કહ્યું છે કે, બંને કંપનીઓ તેમની પાસે રજિસ્ટર પણ નથી. સાથે જ બંને કંપનીઓએ આ મામલે હજી સુધી કોઈ વાતચીત કરી નથી.
આ દિગ્ગજ કંપનીઓનો પણ સમાવેશ

હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ, પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ ન્યુરિસ્કો બેવરેજ લિમિટેડ તેની સાથે રજિસ્ટર્ડ છે. જો કે, આ ચાર કંપનીઓએ એક્સટેન્ડેડ પ્રોડ્યૂસર રિસ્પોન્સબિલિટી (EPR) એટલે કે વિસ્તૃત ઉત્પાદક જવાબદારીઓ પૂર્ણ કરવા માટેના એક્શન પ્લાન અંગે માહિતી આપી નથી. આ કંપનીઓ તરફથી દાખલ કરાયેલા ડોક્યુમેન્ટને રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સમર્થન આપ્યું નથી. આ કારણોસર આ ચાર કંપનીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
