દુનિયાની કોઇ પણ મહિલાને હીરા-ઝવેરાત સૌથી વધુ પસંદ આવતાં હોય છે. અને સુરત હાલમાં હીરાની સાથે જ્વેલરી માટે પણ ઝડપથી આગળ વઘી રહ્યું છે. ત્યારે હીરા-ઝવેરાતનું ઓનલાઈન પ્લેટફોર્મથી વેચાણ શરૂ કરવાના પ્રયાસના ભાગરૂપે જીજેઈપીસી દ્વારા ઈ-કોમર્સ વેબસાઈટ ઈ-બે સાથે કરાર કર્યો છે. આ સાથે જ ગુજરાત સહિત છ રાજ્યમાં ઈ-કોમર્સ પ્રમોશન અને ફેસિલીટી ડેસ્ક શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલમાં સૌ કોઇ જાણે છે કે, વિશ્વમાં વેચાતા 11 પૈકી 9 હીરા સુરતમાં તરાશવામાં આવ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે સુરતના હીરા ઉદ્યોગકારો હીરા પોલિશ્ડ કરી તે વિદેશમાં નિકાસ કરી દે છે અને રીટેલમાં તેનું વેચાણ વિદેશીઓ દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ મારો હીરો મારી કિંમત અને મેં પસંદ કરેલો ગ્રાહક તે દિશામાં હવે ભારતીય હીરા-ઝવેરાત ઉદ્યોગ આગળ વધવા માંગે છે અને તે દિશામાં પ્રયાસ શરૂ થઈ ગયા છે.
થોડાં દિવસ અગાઉ સ્પાર્કલના ઉદ્દઘાટન પ્રસંગે સુરત પધારેલા જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે, વિદેશમાં 800 ડોલર સુધીની કિંમતની જ્વેલરીની ડિલીવરી કરવા સંદર્ભની નીતિઓ ઘડાઈ રહી છે. આ નીતિઓ આકાર પામે ત્યાર બાદ પોસ્ટ વિભાગની મદદથી પણ જ્વેલરી દેશ-વિદેશમાં મોકલી શકાશે. દરમિયાન વિદેશમાં જ્વેલરી મોકલવા માટે કુરિયરનો માર્ગ ખુલી રહ્યો હોય જીજેઈપીસી દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ જ્વેલરી વેચવા માટેના અંતરાયો દૂર કરવાની ક્વાયત પણ શરૂ કરી દેવાય છે.
હાલમાં જીજેઈપીસી દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઈ-બે સાથે કરાર કર્યા છે. ઈ-કોમર્સ કંપની દ્વારા ઝવેરાતના ડિસ્પ્લે માટે માઈક્રો સાઈટ મેઈડ ઈન ઈન્ડિયા પેજ પણ તૈયાર કરાશે. જેના પગલે બીટુસી બિઝનેસ વેગ પકડશે તેવી અપેક્ષા છે. જીજેઈપીસી દ્વારા ગુજરાત સહિત દેશના 6 રાજ્યમાં ઈ-કોમર્સ પ્રમોશન અને ફેસિલીટી ડેસ્ક પણ તૈયાર કરી વેપારીઓને ઓનલાઈન પ્લેટફોર્મ અંગે માર્ગદર્શન આપી જાગૃત કરાશે. જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, જમાનો ડિજીટલ બન્યો છે, તેથી ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી વેપારને વધારવા પ્રયત્નો શરૂ કરાયો છે.
જોકે, ઓનલાઈન વેપાર આડે હજુ એક અડચણ છે. હાલમાં ઓનલાઈન ટ્રેડિંગ પર 2 ટકા ટેક્સ લાગુ પડે છે કે નહીં તે અંગે મૂંઝવણ પ્રવર્તી રહી છે. સરકાર પાસે સ્પષ્ટતાની માંગણી કરાઈ છે, પરંતુ વિદેશી કંપનીઓ દ્વારા ભારતીય કંપનીઓ પાસે લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ અંતરાયો દૂર થયા બાદ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઝવેરાતના વેચાણને વેગ મળશે.