રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. વિઝા અને માસ્ટરકાર્ડ જેવી મોટી કંપનીઓએ આર્થિક પ્રતિબંધો વચ્ચે રશિયા સાથેનો તેમનો કારોબાર બંધ કરવાની જાહેરાત કરી છે, જ્યારે એક અઠવાડિયામાં બીજી વખત યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાત કરી છે. જ્યારે રશિયા સામે પશ્ચિમી દેશોની આક્રમક રેટરિક ચાલુ છે.
જાણો રશિયા – યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી 10 બાબતો
- કાર્ડ પેમેન્ટ જાયન્ટ્સ વિઝા અને માસ્ટરકાર્ડે જાહેરાત કરી છે કે તેઓ રશિયામાં કામગીરી બંધ કરી રહ્યાં છે. માસ્ટરકાર્ડે કહ્યું કે તેમણે વર્તમાન સંઘર્ષ અને અનિશ્ચિત વાતાવરણને ધ્યાનમાં રાખીને રશિયામાં નેટવર્ક સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત વિઝાએ તેને તાત્કાલિક અસરકારક ગણાવ્યું અને કહ્યું કે તે આગામી દિવસોમાં તમામ વિઝા વ્યવહારો બંધ કરવા માટે રશિયાની અંદર તેમના ગ્રાહકો અને ભાગીદારો સાથે કામ કરશે.
- IMFએ ચેતવણી આપી છે કે યુક્રેનમાં યુદ્ધના કારણે પહેલાથી જ ગંભીર વૈશ્વિક આર્થિક અસર ધરાવે છે, અને જો સંઘર્ષ ચાલુ રહેશે તો તે વધુ વિનાશકારી બની જશે. IMFએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ હુમલાની વૈશ્વિક આર્થિક અસર પડશે.
- રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમણે યુક્રેનમાં બે શહેરોના રહેવાસીઓને ખાલી કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી “આક્રમક કાર્યવાહી” ફરીથી શરૂ કરી છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સુરક્ષા અને આર્થિક મદદને લઈને વાતચીત થઈ હતી. આ સપ્તાહમાં બંને નેતાઓ વચ્ચે બીજી વખત વાતચીત થઈ છે.
- બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન રશિયાના યુક્રેન પરના આક્રમણને નિષ્ફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય એક્શન પ્લાન શરૂ કરવા જઈ રહ્યા છે. તેમના કાર્યાલયના જણાવ્યા મુજબ, રાજદ્વારી બેઠકો આવતા અઠવાડિયે થશે અને જ્હોન્સન મોસ્કોના વિનાશક યુદ્ધને સમાપ્ત કરવા માટે નવા અને નક્કર પ્રયાસો કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને એક કરવાનો પ્રયાસ કરશે, જેના માટે છ મુદ્દાની કાર્ય યોજના આજે જાહેર કરવામાં આવી હતી તે વિગતવાર જણાવવામાં આવશે.
- યુક્રેનના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર રશિયા સાથે રચનાત્મક વાતચીત શરૂ થઈ ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલિકે જણાવ્યું કે તેમણે રશિયાના દ્રષ્ટિકોણમાં આવેલા ફેરફાર પર ધ્યાન આપ્યું છે, તેણે યુદ્ધની વાસ્તવિક કિંમતનો અહેસાસ થઈ ચૂક્યો છે.
- યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પોલેન્ડ-યુક્રેન સરહદ પર પત્રકારોના સમૂહને કહ્યું કે અમારી સૌથી મોટી માંગ ફાઈટર પ્લેન અને એર ડિફેન્સ સિસ્ટમની છે. તેમણે પોતાના અમેરિકન સમકક્ષ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે જો આપણે આકાશ ગુમાવીશું તો જમીન પર વધુ લોહી વહેશે.
- બ્રિટને કહ્યું કે યુક્રેનિયન શહેર મેરીયુપોલમાં યુદ્ધવિરામની રશિયાની ઓફર તેની સેનાને હુમલા માટે નવેસરથી તૈયાર કરવાની તક છે.
- ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ યુક્રેન સંકટ અંગે ચર્ચા કરવા માટે ક્રેમલિનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા. તે પછી તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી.
- યુએન શરણાર્થી એજન્સીના વડાએ કહ્યું છે કે રશિયન હુમલા બાદ યુક્રેન છોડીને જતા શરણાર્થીઓની સંખ્યા સપ્તાહના અંત સુધીમાં 13 લાખથી વધીને 15 લાખ થઈ શકે છે.