સુરતમાં આગની ઘટના વધી રહી છે. કોઈ માર્કેટ હોય કે પછી બજાર, હાલમાં જ રઘુવીર ટેક્સ્ટાઇલ માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી જેને કાબુમાં લાવતા ઘણો સમય લાગી ગયો હતો. તેમજ 2019માં તક્ષશિલા માર્કેટમાં લાગેલી આગમાં માસુમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે સમય પર ઘટના પર ફાયરના વાહન ન પહોંચી શકતા હોવાના કારણે પણ આ આગ વિકરાળ રૂપ ધારણ કરી લે છે જેને લઇ સુરત શહેરના ફાયર વિભાગે એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં જે જગ્યાએ ફાયરના વાહન પહોંચી શકે એમ નથી એ તમામ મિલકતને સીલ કરવામાં આવશે.

મળતા અહેવાલ મુજબ સુરતના કમિશનરે આ માટે બે મોટા અઘિકારીઓને જવાબદારી સોંપી દીધી છે. સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં શેરી સાંકડી હોવાના ફાયરની મોટી ગાડી પહોંચી શકતી નથી. બીજી તરફ વરાછા અને કરંજ વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક સોસાયટીમાં પણ રસ્તાઓ ખૂબ સાંકડા છે.

હવે આ તમામ વિસ્તારોની મિલકતને સીલ મારી દેવાશે તો અનેક દુકાનોમાં તાળા લાગી જશે. જયારે સરકારના આ નિર્ણયથી વેપારીઓમાં દુકાન બંધ થવાનો ભય ફેલાઈ રહ્યો છે સુરત ફાયર વિભાગના આ વિવાદીત નિર્ણયને કારણે અનેક લોકોમાં રોષ ફેલાયો છે.
