આરોગ્ય ક્ષેત્રે નવા-નવા આયામ સર કરી રહેલા કિરણ હોસ્પિટલે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે. આગામી 27/3 ના રોજ સવારે 9.30 વાગે ઓલપાડ તાલુકાના વડોદ ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થશે. ત્યાર બાદ તેઓ વરિયાવના ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજીત કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહેશે.

કિરણ હોસ્પિટલનાં ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે ‘દેશની આરોગ્ય વ્યવસ્થાને મજબુત કરવા માટે ડોક્ટરોની ખાસ જરૂરીયાત હોય છે. આપણા દેશમાં મેડિકલ અભ્યાસ માટે સીટો ઓછી હોવાના કારણે હજારો વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે અન્ય દેશોમાં જવું પડે છે. અરબો રૂપિયા વિદેશમાં જઈ રહ્યા છે, ત્યારે આપણાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશની આરોગ્ય સેવાને વધુ સુદૃઢ બનાવવા માટે મેડિકલ કોલેજનું નિર્માણ કરી રહ્યા છે,સાથે સાથે પ્રાઈવેટ સેક્ટરોને પણ મેડિકલ કોલેજના નિર્માણ માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે સ્વસ્થ સમાજના નિર્માણ હેતુ સાથે કાર્યરત સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ દ્વારા આઉટર રિંગરોડ થી 2 કિ.મી.ના અંતરે વડોદ ગામ ખાતે અતિ આધુનિક સુવિધા તેમજ મોર્ડન ટેક્નોલોજીથી સુસજ્જ 65000 વારના વિશાલ કેમ્પસમાં ૧૫૦ સીટો સાથેની મેડિકલ કોલેજનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં એમબીબીએસ, પીજી સહીત અન્ય કોર્ષ સાથે 100 ડોકટરો માટેની જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેમ્પસનું ભૂમિદાન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લખાણી પરિવાર તરફથી મળ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્ય કાપડ અને રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયા, કૃષિ અને ઊર્જા વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, મેયર હેમાલીબેન બોઘાવાલા, અને વીએનએસજીયુના કુલપતિ કે.એન.ચાવડા તથા અન્ય અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.