ગુજરાતના ઔદ્યોગિક પાટનગર સુરતમાં હજીરા હેવી ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારની અને દેશની સૌથી મોટી ગેસ અને ઓઈલ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ONGC)માં ગુરૂવારે વહેલી સવારે 3:12 વાગ્યે કંપનીના મુખ્ય ગેસ ટર્મિનલના ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક થયા બાદ ગેસ લીકેજ થતાં એક પછી એક 3 બ્લાસ્ટ સાથે મોટી આગ લાગી હતી.
… તો આ આગ તણખલું જ હોત
જેની જ્વાળાઓ હજીરા સહિત શહેરના 25 થી 30 કિમી સુધી આવેલા વિસ્તારમાં દેખાવાની સાથે હજીરાની આસપાસ આવેલા ગામો ભાઠા, ભાટપોર, ઈચ્છાપોર, મગદલ્લા સુધી ભૂકંપ સમાન આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ચઢી હતી. આ સાથો-સાથ વેસુ,પીપલોદ, અડાજણ, પાલ સુધી બ્લાસ્ટના અવાજ સંભળાતા લોકો પોતાની છત પરથી ફોટો અને વિડીયોની પોસ્ટ મુકી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી કંપનીના અધિકારીઓ દ્વારા ઓફિસિયલ માહિતી આપી નથી, પણ આંતરિક માહિતી અનુસાર, આ અકસ્માત પાછળ ગેસના હેવી પ્રેશર હોવાની વાતને સામે આવી રહી છે. જ્યારે કંપનીના આંતરિક સૂત્રો જણાવે છે કે, આ ઘટના દિવસ દરમિયાન બની હોતે તો અકસ્માત ટાળી શકાયો હોત.
આ પણ વાંચો : હજીરા ONGCની ઘટના અંગે ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાબડતોડ ફોન કરી મેળવી જાણકારી
સુરત જિલ્લા તંત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, ONGCના ગેસ ટર્મિનલ ઓટોમેટિક પ્લાન્ટમાં થયેલા સ્પાર્કથી આગે પકડેલા વિકરાળ સ્વરૂપની જાણ ફાયર બિગ્રેડને મળતાં ફાયર વિભાગ સહિત સપાસની ઈન્ડસ્ટ્રીઓનો મોટો કાફલો હજીરા તરફ જવા રવાના થયો હતો. રાતે 3:12 વાગ્યાની આસપાસ પ્રથમ બ્લાસ્ટ થયા બાદ ગણતરીના સેકન્ડમાં જ બીજો અને ત્રીજો બ્લાસ્ટ થયો હતો.
કંપનીના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, જે ટર્મિનલ નજીક અકસ્માત થયો તેની વિરોધ દિશામાં સ્ટોરેજના મોટા ટેન્ક આવેલા છે. જો આ ટેન્કની નજીક અકસ્માત સર્જાતે તો કંપનીની સાથો-સાથ આસપાસના ગામ અને સુરતને પણ મોટું નુકશાન થઈ શકતે.
ક્યારે આગ થાળે પડી
કંપની દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના ભાગરૂપે સવારે 6:30 વાગ્યાની આસપાસ મામલો થાળે પડ્યો હતો. આ અંગે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ જણાવે છે કે, ઓએનજીસીના પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ આગ લાગી છે. રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી હતી.
તાપમાનમાં નોંધાયો વધારો
કંપનીનો પ્લાન્ટ આશરે 640 હેક્ટરમાં છે. તેનો વિસ્તાર આશરે 20 કિ.મી. સુધી પથરાયેલો છે. ONGC કંપની દ્વારા એલપીજી, નેપ્થા, એસકેઓ, એટીએફ, એચએસડીએન પ્રોપ્રેન બનાવવામાં આવે છે. આગની ઘટના બનતાં સામાન્યત: 25 થી 30 ડિગ્રી વચ્ચે રહેતું હજીરાનું તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે, હજીરા સ્થિત આવેલી ONGC પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ ભારત સરકારની માલિકીની છે. તે દેશની સૌથી મોટી તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન કંપની છે અને ભારતના લગભગ 70% ક્રૂડ તેલ અને તેના કુદરતી ગેસના લગભગ 84% જેટલું ઉત્પાદન કરે છે.
