અનલોકની નવી ગાઇડલાઇન આવ્યા બાદ દેશના તમામ શહેરોમાં રેસ્ટોરેન્ટ અને મોલ્સ ખુલ્લા મુકવામાં આવ્યા છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોની રેસ્ટોરેન્ટ અને મોલ્સ જેવી જગ્યાએ અવર-જ્વર શરૂ થઇ ગઈ છે. એટલે તેની ડિમાન્ડ પણ વધી ગઈ છે. દેશમાં સારો વરસાદ અને મબલખ ઉત્પાદન છતાં દેશમાં ડુંગળી-બટેટાના ભાવ સતત વધી રહ્યા છે. દૈનંદિન વપરાશમાં અનિવાર્ય એવા ડુંગળી-બટેટાના ભાવોમાં બેફામ તેજી છે. દેશમાં લાંબુ ચોમાસુ હોવાના કારણે પાકોનું નુકસાન થઇ રહ્યો છે.હાલ નવા પાકમાં વિલંબ હોવાથી અને અત્યારે હાજર માલની અછતના કારણે ડુંગળી-બટેટાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ એક મહિના સુધી ભાવ ઉંચા રહેવાની આશંકા છે.
હજુ એક મહિના સુધી ભાવ ઉંચા રહેશે.
સુરતના ડુંગળીના હોલસેલ વેપારીએ કહ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા પડેલા વરસાદના કારણે ડુંગળી-બટેટાના પાકનું નુકસાન થયું છે. ડુંગળી-બટેટાની નવી આવક એકાદ મહિના પછી થશે. ડુંગળી-બટેટાની નવી આવક દિવાળી પછી જ થશે. જેના કારણે દિવાળી સુધી ભાવ ઉંચા જ રહેવાની સંભાવના છે.સુરત હોલસેલ બજારમાં ડુંગળી સારી ક્વોલિટીમાં હોલસેલમાં 60 રૂપિયાથી વધુ ભાવે વેચાય છે. જ્યારે રિટેઇલમાં વધુ મોંઘી છે. આ ભાવ હજુ વધીને 1500-1700 ના સ્તરે પહોંચી શકે છે.
બટેટાના હોલસેલ વેપારીએ કહ્યું કે, હોલસેલમાં 20 કિલોનો ભાવ 600 રૂપિયાના આસપાસ છે. જે રીટેઇલમાં 60 રૂપિયા સુધીના છે. ડુંગળીની જેમ બટેટાના ભાવમાં પણ વધારો થાય તેમ નથી છતાં અત્યારનો ભાવ પણ ઐતિહાસિક છે. અત્યાર સુધીના ઇતિહાસમાં બટેટાના આટલા ઉંચા જ ભાવ થયા નથી.