SGCCI ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે 2 માર્ચ,ના રોજ દુબઇ ખાતે દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્સ ગૃપ (ટેકસમાસ)ના વાઇસ ચેરમેન જગદીશ અમરનાની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
ટેકસમાસ એ દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી એપેકસ બોડી છે અને એના સભ્યો દ્વારા વિશ્વના 90 જેટલા દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે, દુબઈ એ વૈશ્વિક વેપારનો દરવાજો (Gateway of the World) છે. ચેમ્બર દ્વારા દુબઇ ખાતે યોજાઇ રહેલા ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’ને દુબઇના ટેકસમાસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. દુબઇ ટેકસમાસના પોતાના 700 થી વધુ સભ્યો દ્વારા ચેમ્બરના આ એકસ્પોની મુલાકાત લેવામાં આવશે.
દુબઇ ટેકસમાસનો સહકાર મળવાથી ચેમ્બરના ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’માં ભાગ લેનારા એકઝીબીટર્સને મોટા ઓર્ડર તથા વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના છે. અત્રે નોંધનીય છે કે, ચેમ્બર દ્વારા આગામી તા. 11, 12 અને 13 માર્ચ 2022 ના રોજ દુબઇ ખાતે ત્રિદિવસીય ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.