નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં લંડનની એક કોર્ટને અનિલ અંબાણીએ જણાવ્યુ હતુ કે તેમની કુલ આવક શૂન્ય છે. ચીનની ત્રણ સરકારી બેન્કોએ તેમની પર કેસ દાખલ કર્યો હતો જેની સુનાવણી દરમિયાન આ નિવેદન આવ્યુ હતુ, તે સમયે કોર્ટે અંબાણીની વિદેશ સંપત્તિ વિશે સવાલ ઉઠાવ્યો હતો, કારણ કે તેના વિશે કોઇ જાણકારી આપી નહતી. તેના ત્રણ મહિના બાદ કોર્ટે અનિલ અંબાણીને આ આદેશ આપ્યો હતો કે તે બેન્કોને 716 મિલિયન ડૉલરની રકમની ચુકવણી કરે પરંતુ તેમણે આવુ નથી કર્યુ અને કહ્યુ કે તેમની પાસે વિદેશોમાં ના તો કોઇ સંપત્તિ છે અને ના તો કોઇ ફાયદો થઇ રહ્યો છે. પેંડોરા પેપર્સની પ્રથમ યાદીમાં ઇકબાલ મિર્ચી, અનિલ અંબાણી, જેકી શ્રૌફ, વિનોદ અદાણી, કિરન મઝુમદાર શો, નીરા રાડિયા, સમીર થાપર, અજીત કેરકર,પૂર્વી મોદી, સચિન તેંડુલકર, સતીશ શર્માનું નામ સામે આવ્યુ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પંડોરા પેપર્સની તપાસમાં આ ખુલાસો થયો છે કે રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન અને તેમના પ્રતિનિધિઓ પાસે જર્સી, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ અને સાઇપ્રસ જેવી જગ્યાઓ પર ઓછામાં ઓછી 18 વિદેશી કંપનીઓ છે. તેની સ્થાપના 2007થી 2010 વચ્ચે થઇ હતી અને જેમાંથી સાત કંપનીઓએ ઓછામાં ઓછા 1.3 બિલિયન ડૉલરનું રોકાણ અને ઋણ મેળવ્યુ હતુ. જર્સીમાં અનિલ અંબાણીના નામ પર ત્રણ કંપનીઓ- બૈટિસ્ટ અનલિમિટેડ, રેડિયમ અનલિમિટેડ અને હ્યૂઇ ઇનવેસ્ટમેન્ટ અનલિમિટેડ છે. આ તમામને ડિસેમ્બર 2007 અને જાન્યુઆરી 2008માં બનાવવામાં આવી હતી.
શું છે પેંડોરા પેપર્સ?
લગભગ 12 મિલિયન લીક દસ્તાવેજોની તપાસ પર આધારિત પેંડોરા પેપર્સ આ ખુલાસો કરે છે કે કેવી રીતે દુનિયાના કેટલાક અમીર અને શક્તિશાળી લોકો પોતાની સંપત્તિ છુપાવી રહ્યા છે. આ યાદીમાં 380 ભારતીયોના નામ પણ છે. ઇન્ડિયન એક્સપ્રેસે આ યાદીમાંથી 60 મુખ્ય કંપનીઓ અને લોકોના નામની પૃષ્ટી કરી છે. 117 દેશમાં 600થી વધુ પત્રકારોએ પેંડોરા પેપર્સના દસ્તાવેજોની મહિના સુધી તપાસ કરી છે. પેંડોરા પેપર્સ ખુલાસામાં ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ 14 સોર્સથી દસ્તાવેજ પ્રાપ્ત કર્યા છે.