યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ રહેલી છે ત્યારે ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે. આ સમયે સુરત અને દ.ગુજરાતના કેટલાંક વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધર થઈ રહ્યા છે. સુરત અને દ.ગુજરાતના આશરે 25-30 જેટલાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.
રશિયા દ્વારા યુદ્ધની જાહેરાત કરવામાં આવ્યા બાદ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિતના ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વેપાર કરી રહેલા લોકોની ચિંતા વધી ગઈ છે. હવે અહીં ફસાયેલા ગુજરાતીઓ ભારત પરત ફરવા માટે અધિરા બન્યા છે. અનેક વિદ્યાર્થીઓ વીડિયો વાયરલ કરીને ભારત સરકાર પાસે પરત ફરવા માટે મદદ માંગી રહ્યાં છે.
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતના 15-20 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. આથી તેમના પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. જ્યાં તેઓ પોતાના દીકરા-દીકરીને ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી છે. આ અંગેની રજુઆત સ્થાનિક કોર્પોરેટર દીપેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે, યુક્રેનમાં સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમની સાથે ફોન પર વાત થઈ છે. ત્યાંની સરકારે અગાઉ જણાવ્યું હતું કે, યુદ્ધ થશે નહીં અને માત્ર 15 દિવસની જ રજા આપવામાં આવશે પણ હવે યુદ્ધ શરૂ થયું છે ત્યારે ટિકિટના ભાવ અગાઉ જે 60 થી 70 હજાર હતા તે હવે 2 લાખ રૂપિયા સુધી થઈ ગયા છે. તેથી વિદ્યાર્થીઓને પરત આવવામાં મુશ્કેલી થઈ રહી છે.
આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓ પણ રજુઆત કરતાં જણાવે છે કે, યુક્રેનની યુનિવર્સિટી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે યુદ્ધ ન થશે અને વિદ્યાર્થીઓને સમયસર સાચવી લેવામાં આવશે. પણ હવે જ્યારે યુદ્ધની વચ્ચે ઊભા રહ્યા છે ત્યારે બાળકો પરત ફરી શકે તેના માટે સરકારની મદદ માંગી રહ્યા છે. મોટી સંખ્યામાં બાળકો ત્યાં ફસાયેલા છે અને સરકારે તાત્કાલિક મદદ મોકલવી જોઇએ.
સુરત ક્લેક્ટર દ્વારા માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી
સુરતના અંદાજે 12 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સુરત કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થઇ ચૂક્યું છે અને તેમના સંતાનો ઝડપથી એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. કલેક્ટરે દરેક વાલીઓ પાસેથી તેમના સંતાનોની તમામ પ્રાથમિક માહિતી, સંપર્ક નંબરોની માહિતી મેળવીને તેનો રિપોર્ટ કેન્દ્રના વિદેશ મંત્રાલયને પહોંચાડવા માટેની કાર્યવાહી યુદ્ધસ્તરે હાથ ધરી હતી.
આ અંગે સુરત કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે સુરતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ એવી વ્યવસ્થા વિકસાવી છે કે જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે તેમના નામ, પાસપોર્ટ, કોલેજનું નામ, ત્યાંનો સંપર્ક નંબર, ત્યાંના રહેઠાણનું સરનામું વગેરે જેવી માહિતી, અઠવાલાઇન્સ સ્થિત નાગરીક સુવિધા કેન્દ્રમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે રજિસ્ટર કરાવે. સુરત કલેક્ટરેટ દ્વારા આ માહિતી કેન્દ્ર સરકારને તાત્કાલિક મોકલવામાં આવશે અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને પરત લાવવાની તેમજ ત્યાં તેમની સલામતિ અંગેની તમામ વ્યવસ્થાઓ કરી રહી છે. યુક્રેનમાં રહેતા સુરતના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટરને પણ તેમની માહિતી પહોંચાડી શકે છે. અત્યાર સુધીમાં 61 વિદ્યાર્થીઓના વાલીઓએ તેમના સંતાનો યુક્રેનમાં હોવા અંગેની માહિતી સત્તાવાર રીતે આપી છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે વધારાની હેલ્પલાઈન નંબર +38 0997300428, +38 0997300483, +38 0933980327, +38 0635917881, +38 0935046170 શરૂ કરવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મદદ માટે આ ID [email protected] પર ઈ-મેઈલ પણ મોકલી શકે છે.
જો વિદ્યાર્થીઓને યુક્રેનમાં ઈન્ડિયન એમ્બેસી પાસેથી કોઈ મદદની જરૂર પડે તો તેમને +38 0997300428 અને +38 099730048 સંપર્ક કરી શકાશે. વિદ્યાર્થીઓ [email protected] પર પણ ઈ-મેઈલ મોકલી શકે છે.