ગુજરાતમાં પહેલા અમદાવાદમાં કોરોના કેસમાં વધારો નોંધાયો હતો. પરંતુ, હાલમાં સુરતમાં (Surat) કોરોનાના કેસમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે. સુરતમાં દરરોજ 200 થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સજ્જ થઈ ગઈ છે. જેના પગલે, મહાનગરપાલિકાએ સુરતથી અમદાવાદ આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવાનો અગત્યનો નિર્ણય લીધો છે.

શુક્રવારે વહેલી સવારથી જ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક્સપ્રેસ હાઈવે પર આવેલા ટોલનાકા નજીક સુરતથી આવતા તમામ મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં, પ્રાથમિક તબક્કે 100 વ્યક્તિઓના ટેસ્ટમાં 9 મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ ટીમ 24 કલાક હાજર રહીને સુરતથી અમદાવાદ આવતા મુસાફરોના ટેસ્ટ કરશે. જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને જ અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવશે. જે મુસાફરનો ટેસ્ટ પોઝિટિવ આવશે તેની નામ, સરનામાં સહિતની તમામ જાણકારી સુરતના આરોગ્ય વિભાગને કરવામાં આવશે. ત્યારબાદ તેમને સુરત પરત મોકલવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા જાણવા માટે સીરો સર્વેક્ષણ કરવામાં આવશે
સુરતમાં દર્દીની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે, જો જરૂરત જણાશે તો હૉસ્પિટલ મોકલવામાં આવશે નહીં તો તેને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવશે. સુરતથી આવતા મુસાફરો દ્વારા અમદાવાદમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.
