શહેરમાં ઠેરઠેર રસ્તાઓ ચોમાસામાં બિસ્માર હાલતના થઈ ગયા હોય લોકોએ પારાવાર પરેશાની સહન કરવાનો વખત આવ્યો છે. આ મુદ્દો ગુરુવારે મળેલી સ્થાયી સમિતિ ની બેઠકમાં ગરમાયો હતો. સભ્યો એ રસ્તા અંગે તંત્ર પર પસ્તાળ પાડી હતી તેથી રસ્તા માટે ચાર તબક્કે કામ કરવાનું નક્કી કરાયું છે, કમિશનર ના અંન્ડરમા કમિટી ની રચના કરી સરવે કરવામાં આવશે અને રસ્તાઓને કાર્પેટ, રી-કારપેટ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, સીસી રોડ જ બનાવવા માંગતા ચેરમેનને યુ-ટર્ન માર્યો છે અને રસ્તા ઘણાં ખરાબ થતાં હાલ ડામર રોડ બનાવા સૂચના આપી છે.
દર વર્ષે ચોમાસામાં શહેરના રસ્તાઓ ઉબડખાબડ બની જાય છે અને તેના મરમ્મત પાછળ પાલિકા કરોડોનો ખર્ચો કરવો પડે છે, આ વર્ષે પણ ઘણાં રસ્તાઓ નું નિકંદન નિકળી ગયું છે. પરંતુ સ્થિતિ એ હતી કે, ઘણાં ઝોને સમયસર રસ્તા રિપેરીગ કર્યું નહીં અને વધુ ને વધુ રસ્તાઓ ધોવાઇ ગયા! રોડ બનાવવા લાગેલી બ્રેક પાછળ સ્ટેન્ડિંગ ચેરમેનને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સીસી રોડ બનાવવા સૂચનાઓ આપી હોય રસ્તાઓ બની શક્યા નથી તેવો બચાવ ઝોનના એક્ઝિક્યુટિવ ઓફિસરો કરી રહ્યાં છે.
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, રોડ માટે કમિશનર અંડરમાં કમિટી બનાવવામાં આવી છે. તે રસ્તા નો સર્વે કરી બે-એક દિવસ માં રિપોર્ટ આપશે. ચાર તબક્કે કામ કરાશે. સર્વે કરાશે, ડીફેક્ટ લાયબિલીટી પિરીયડ (ડીએલપી) પૂર્ણ થયો ન હોય તો એજન્સી પાસે ને પૂર્ણ થયો હોય તો ઝોન દ્વારા કે એજન્સી પાસે બનાવાશે. હાલ રસ્તાઓ ઘણા ખરાબ થતાં ડામરના બનાવી શકાશે. રસ્તાઓ કાર્પેટ રી-કાર્પેટ કરાશે અને સીસી રોડ હોય તેને પ્લાનિંગ માં લઇ લેવાનું નક્કી કરાયું છે. ત્રણ દિવસ પહેલાં જ રોડ બનાવવા સુચનાઓ આપી હતી પરંતુ વરસાદ ને લીધે કામ અટક્યું છે.