કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં કોરોના સંક્રમણ અટકાવવું મુશ્કેલ બની રહ્યું છે. એવામાં કોરોના સંક્રમણને લઈને રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. હાલમાં જ ICMR (Indian Council of Medical Research) ના ડિરેક્ટરે વધુ એક ચેતવણી આપી છે. કોરોના સંક્રમણ થયા બાદ શરીરમાં તેની વિરૂધ્દ એન્ટીબોડીઝ બનવા લાગે છે. પરંતુ એક સમય પછી એન્ટીબોડીઝમાં ઘટાડો થવા લાગે છે અને ફરીથી કોરોના સંક્રમણ થઇ શકે છે. ફરીથી સંક્રમણ ન થવાની વાત ખોટી છે.
CMR ના ડિરેક્ટર ડો.બલરામ ભાર્ગવે જણાવ્યું કોરોના સંક્રમણ વિષે સતત અધ્યયન થઇ રહ્યા છે અને રિપોર્ટ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક મેડિકલ રિસર્ચ સામે આવ્યા છે. જેમાં એન્ટિબોડીઝનો શરીરમાં રહેવાનો સમય અલગ-અલગ હોય છે. કોઈના શરીરમાં 3 મહિના તો કોઈના શરીરમાં 5 મહિના સુધી એન્ટિબોડીઝ રહે છે. જેના વિષે અધ્યયન હજુ પણ ચાલુ છે. પણ એન્ટિબોડીઝ ખતમ થયા પછી ફરીથી કોરોનાનો ચેપ લાગી શકે છે.
વિશ્વના અનેક દેશો જેમ કે યુરોપ, ચીન, અમેરિકા અને રશિયા સહિતના દેશોના વૈજ્ઞાનિકો કોરોના સંક્રમણના વિરૂદ્ધમાં બનનારી એન્ટિબોડીઝનો સમય શોધી રહ્યા છે. ભારતમાં પણ પુણે સ્થિત એનઆઈવીના વૈજ્ઞાનિકો આના પર અધ્યયન કરી રહ્યા છે. જેનું પરિણામ ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. ત્યારે ફરી સંક્રમણાના કેટલાક કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ સરકારે કોરોના સંક્રમિત થયેલા લોકોને સતર્ક રહેવાની વાત કરી છે.