આપણા રાજકારણની તાસીર રહી છે કે બીજી ટર્મ વડાપ્રધાનો તથા સરકાર માટે ટફ જ રહેતી આવી છે. વડાપ્રધાન મોદી સામે પણ પડકાર ઘણા છે. એ પડકારો કયા છે અને તેઓ કઇ રીતે પહોંચી વળશે ?
સૌથી મોટો પડકાર તો અર્થવ્યવસ્થા જ છે. સાથે જ નાણાં મંત્રીનો પડકાર પણ ખરો જ. પહેલી ટર્મમાં તો અરુણ જેટલીથી તેમણે કામ ચલાવ્યું. પરંતુ જેટલીનું સ્વાસ્થ્ય હવે તેમને નિવૃત્ત કરી દેશે એમ લાગે છે, ત્યારે નાણાં મંત્રાલય કોને સોંપવું તે એક મોટો પ્રશ્ન છે. આ લેખ વાંચશો, ત્યારે બહુધા તેનું નિરાકરણ આવી ગયું હશે. પરંતુ એ નવા નાણાં મંત્રી સમક્ષના પડકારોનું નિરાકરણ એમ ફટ્ટ થઇને થઇ જાય એમ નથી.
દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા મંદી તરફ જઇ રહ્યાના સંકેત મળી રહ્યા છએ. ડિસેમ્બર બાદની ત્રિમાસિકીમાં આર્થિક વિકાસ દર 6.6 ટકા થઇ ગયો છે. જો છેલ્લા છ ત્રિમાસિકીમાં સૌથી નીચો દર છે. સાથે સાથે એસયુવી વાહનોનું વેચાણ ઘટ્યું છે, ટ્રેક્ટર અને ટુ વ્હીલરની ખરીદી પણ ઘટી છે. ફાયનાન્શિયલ એક્સપ્રેસ અખબાર મુજબ તો બેન્ક અને નાણાંકિય ક્ષેત્રને બાદ કરીએ તો 334 કંપનીઓ એવી છે, તેનો નફો 18 ટકાથી નીચે આવી ગયો છે. વિમાન ક્ષેત્રે જેટ એર જેવી કંપનીઓની સ્થિતિ ખખડી ગઇ છે, ત્યારે પેસેન્જર ગ્રોથ પણ છ વર્ષોમાં સૌથી ઓછો રહ્યો છે. રોજબરોજ જીવનમાં વપરાતી ચીજો બનાવતી અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવર કંપનીએ માર્ચમાં પૂરા થતી ત્રિમાસિકીમાં પોતાની આવકમાં ફક્ત 7 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે, જે 18 મહિનામાં સૌથી ઓછો છે. મતલબ કે ચારેઓરથી એવા સંકેત મળી રહ્યા છે કે આર્થિક ઝડપમાં ક્યાંક પંક્ચર પડી રહ્યું છે.
કૃષિ ક્ષેત્રમાં આવક ઘટી છે. મોદી સરકારે 2022માં બમણી આવકની વાત કહી છે, પરંતુ ખેતી કરવા પાછળ થતા ખર્ચ કરતાં આવક ઘટે તો તેનો કોઇ અર્થ રહેતો નથી. ખેડૂતે તેના ગુજરાન માટે ભારે હડિયાપટ્ટી કરવી પડે છે. કૃષિ ક્ષેત્ર સૌથી મોટું રોજગારી આપતું ક્ષેત્ર હોવાને કારણે પણ સરકારે હવે કૃષિને પ્રાધાન્ય આપીને તેને મજબુત કરવી પડશે. અત્યારે તો ખેતીમાં મળતર એટલું ઓછું છે કે ખેડૂતો ખેતી કરવાને બદલે જમીન વેચીને બીજો વ્યવસાય કે નોકરી કરવા માંડ્યા છે. વળી એ વેચાયેલી જમીન ખેતીને બદલે બીજા જ વ્યવસાય માટે વપરાવા માંડી છે, સરવાળે ખેતીની જમીન ઘટી રહી છે, તે પણ ચિંતાનું એક કારણ બનશે.
મંદીનું કારણ શું છે, એ અંગે વિવાદ હોઇ શકે. નોટબંધીથી માંડીને અનેક કારણો આગળ ધરાઇ રહ્યા છે, ધરાશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખરીદી ઘટી રહી છે, તે દર્શાવે છે કે ખરીદશક્તિ ઘટી રહી છે. વિશ્વ બેન્કના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુ માને છે કે 2016માં નોટબંધી દાખલ કરાઇ હતી, તેની અવળી અસર હવે ઘેરી બની રહી છે. આપણે ત્યાં મોટા ભાગે રોકડિયો વ્યવહાર ચાલતો હતો. નોટબંધીને કારણે રોકડ વ્યવહાર સિમિત થઇ ગયો. 2017ના પ્રારંભમાં વિશેષજ્ઞોને એ સમજાયું ન હતું કે નોટબંધીથી ખેડૂતોના દેવાં પર અસર કરી છે અને તેને કારણે સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને કૃષિ ક્ષેત્રે સતત ઘટાડો થઇ રહ્યો છે.
નિકાસ એ બીજું એક પરિબળ છે, જ્યાં આપણો દેશ નબળો પડી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નિકાસમાં વિકાસનો દર લગભગ શૂન્ય હોવાનું પ્રોફેસર બસુ કહી રહ્યા છે. તેઓ માને છે કે ભારત જેવી ઓછા વેતનવાળી ઇકોનોમી માટે આર્થિક નીતિ અને માઇક્રો ઇન્સેન્ટિવનું સંતુલન આ સેક્ટરના વિકાસ માટે જરૂરી છે. પરંતુ એ સંતુલન જાળવવામાં કયાંક ચૂક રહી છે.
અત્યારે તો એમ લાગે છે કે લકઝરીની ખરીદીને આધારે જ વિકાસ ગણાતો હોય એવું ચિત્ર છે. પરંતુ વાસ્તવિક રીતે પોષણયુક્ત આહાર, સસ્તા કપડાં, ઘર, સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધા મળે તેને વિકાસનો આધાર ગણવો જોઇએ…. (લેખક જાણીતા રાજકીય વિશ્લેષ્ક)