બોલિવૂડ અને હોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે હાલમાં જ ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ સાથે નવી ડીલ સાઈન કરી છે. એક ઈન્ટરનેશનલ મેગેઝીનના કહેવા પ્રમાણે, પ્રિયંકાએ એમેઝોન પ્રાઈમ સાથે 2 વર્ષની મલ્ટીમિલિયન ડોલર ફર્સ્ટલૂક ટેલિવિઝન ડીલ સાઈન કરી છે. પ્રિયંકાએ જાતે આ વાતની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર આપી છે. તેણે કહ્યું હતું કે, હવે તે ભાષાના બંધન વગર કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ બનાવી શકશે.
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, એક એક્ટર અને પ્રોડ્યુસર તરીકે આવું કામ કરવાની તેની વર્ષોથી ઈચ્છા હતા. પ્રિયંકા ચોપરા દુનિયાભરના ક્રિએટીવ ટેલેન્ટને એકસાથે કોઈ પણ ભાષાના કે સીમાના બંધન વગર સારું કન્ટેન્ટ બનાવે તેવી ઈચ્છા ધરાવે છે. પ્રિયંકાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ પર્પલ પેબલ પિક્ચર્સ છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, એક સ્ટોરી ટેલર તરીકે હું સતત નવા આઈડિયા શોધતી રહું છું. આ માત્ર એન્ટરટેઈનમેન્ટ માટે નહીં પરંતુ લોકોના વિચારો અને વ્યુપોઈન્ટને ખોલવા માટેનો પણ છે. 20 વર્ષના મારા કરિયરમાં મેં 60 જેટલી ફિલ્મો કરી છે અને તેને જોતા મને લાગે છે કે હું સાચા પાથ પર ચાલી રહી છું.
