ચોમાસાની સીઝનમાં જો સાંજના સમયે વરસાદ પડતો હોય તો ચાની સાથે ગરમાગરમ તળેલો નાસ્તો ખાવાની સૌની ઈચ્છા હોય છે. પરંતુ તળેલા નાસ્તાને બદલે સાંજની ચા સાથે તમે હેલ્ધી એવા પ્રોટીનથી ભરપૂર નાસ્તા ખાઈ શકો છો અને વરસાદની મજા માણતા માણતા આ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવા નાસ્તાની રેસિપી જોઈ લો.
ઓટ્સ ઈડલીઃ

રેગ્યુલર ઈડલી અને ચટણી આપણે સૌ નાસ્તામાં ખાતા જ હોઈએ છે પરંતુ જો તમારે તમારા નાસ્તામાં થોડો ચેન્જ લાવવો હોય તો તમે હેલ્ધી કહેવાતા ઓટ્સની ઈડલી બનાવી શકો છો. તમે ચોખા અથવા રવાની જગ્યાએ ઓટ્સનો પાવડર લઈને તેમાં તમારી પસંદના શાકભાજી નાખીને બનાવી શકો છો અને ટામેટાની અથવા કોપરાની ચટણી સાથે ગરમાગરમ ખાઈ શકો છો.
મેંગો યોગર્ટ સ્મૂધીઃ

ચોમાસામાં લાગતા બફારાને દૂર કરવા માટે તમે યોગર્ટ સ્મૂધી ઘરે બનાવી શકો છો. આ સાંજના નાસ્તા માટે હલકો ફૂલકો પણ પ્રોટીનથી ભરપૂર કહી શકાય તેવો નાસ્તો છે. તમે ગરમીના સમયમાં પણ તેને બનાવીને પી શકો છો. હાલમાં દરેકના ઘરમાં કેરી ફ્રોઝન કરેલી મળશે જ, તો તમે મેંગો યોગર્ટ સ્મૂધી બનાવી શકો છો. કેરી ના હોય તો તમે તમારી પસંદગીના ફ્રૂટ્સ નાખીને પણ બનાવી શકો છો. યોગર્ટ સ્મૂધીમાં દહીંની સાથે ખાંડ અને તમારી પસંદગીનું ફ્રૂટ અને અળસી નાખીને ગ્રાઈન્ડ કરીને બનાવી શકો છો.
સ્પ્રાઉટ્સ ચાટઃ

જો તમને સાંજે કંઈક ચટપટુ ખાવાનું મન થયું હોય તો સ્પ્રાઉટ્સ ચાટ બનાવી શકો છો. સાંજના નાસ્તા માટેનો એક હેલ્ધી ઓપ્શન છે. આ ચાટમાં તમે તમારી પસંદગીના અંકુરિત ચણા અથવા મગ લઈ શકો છો અને તેમાં કાંદા, ટામેટા અને ચાટ મસાલો, લીંબુ નાખીને ખાઈ શકો છો.
બેક્ડ રાગી ચકરીઃ

ચકરી આપણા સૌના ઘરે બનતી જ હોય છે પરંતુ હેલ્ધી ઓપ્શન તરીકે તમે ચોખાના લોટને બદલે રાગીનો લોટ લઈ કો છો અને તેને તળવાને બદલે ઓવન અથવા માક્રોવેવમાં બેક્ડ કરીને ખાઈ શકો છો. હેલ્ધી નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે.
રાગી કુકીઝઃ

રાગીનો લોટ ડાયેટ કરતી વખતે ખાવામાં આવે છે, તે સિવાય તેમાં ઘણા બધા વિટામીન્સ હોવાને લીધે તેને હેલ્થ માટે પણ સારો માનવામાં આવે છે. તમને કંઈક સ્વીટ ખાવાની ક્રેવીંગ થઈ હોય તો તમે રેગ્યુલર કુકીઝને બદલે રાગીના કુકીઝ બનાવીને ખાઈ શકો છો. ચાની સાથે કુકીઝ ખાવાની મજા આવે છે.
