46 વર્ષીય જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી આખુ અમેરિકા વિરોધની આગમાં સળગી રહ્યું છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસ અને સરકાર અશ્વેત વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. 25 મેના રોજ મિનિયાપોલીસથી શરૂ થયેલો વિરોધ આજે યુએસ સહિત અનેક દેશોમાં ફેલાયેલો જોવા મળે છે. દરેક ક્ષેત્રની મોટી હસ્તીઓ સામે આવીને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે. તેની વચ્ચે કેરેબિયન ક્રિકેટર ક્રિસ ગેલે પણ પોતાની વાત કહી છે.
ક્રિસ ગેલે સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરી શેર કરી છે. તેણે લખ્યું છે કે, બીજા લોકોની જેમ અશ્વેત લોકોની જિંદગી પણ મહત્ત્વની છે. રંગભેદમાં માનતા લોકોએ શરમ કરવી જોઈએ. હું દુનિયા ફર્યો છું અને મેં પોતે પણ આ રંગભેદનો અનુભવ કર્યો છે કારણ કે હું પોતે અશ્વેત છું. માત્ર ફૂટબોલમાં જ નહીં પરંતુ ક્રિકેટમાં પણ આ ભેદ જોવા મળે છે. એટલે સુધી કે ટીમમાં પણ આ ભેદભાવ જોવા મળે છે. અશ્વેત શક્તિશાળી છે અને મને મારા અશ્વેત હોવા પર ગર્વ છે.

ક્રિસ ગેલ સિવાય ઘણા ખેલાડીઓ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા સાઈટ્સ દ્વારા જાહેર કરી ચૂક્યા છે. લોસ એન્જેલસ લેકર્સના બાસ્કેટબોલ ખિલાડી ડી લેબરન જેમ્સ, બોસ્ટન સેલ્ટિક્સના જેલેન બ્રાઉન, ડ્રેટોયટ પિસ્ટંસના કોચ ડ્વેન પુલુસિયાએ પણ પોતાનો વિરોધ જાહેર કર્યો છે. પૂર્વ બાસ્કેટબોલ ખિલાડી માઈકલ જોર્ડને પણ ટ્વીટ કરીને પોતનું દુખ વ્યક્ત કર્યું છે.
યુવા ટેનિસ ખિલાડી કોકો ગોફે પણ ફ્લોઈડના મોત પછી શંકા વ્યક્ત કરતા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે પૂછ્યું હતું કેશું આગામી નંબર મારો તો નથી ને. જર્મનની ફૂટબોલ ક્લબ બોર્સિયા ડોર્ટમંડના ખિલાડી પણ ફ્લોઈડની હત્યાના વિરોધમાં બુંદેસલીગામાં પૈડરબોર્ન વિરુદ્ધની મેચમાં જસ્ટીસ ફોર ફ્લોઈડ લખેલી ટી-શર્ટ પહેરીને રમવા ગયા હતા.
દિગ્ગજ ટેનિસ ખિલાડી સેરેના વિલયમ્સે પણ રંગભેદ વિરુદ્ધનો એક વીડિયો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેવી રીતે અમેરિકન અધિકારી જ્યોર્જના ગળા પર પોતાનો ઘૂંટણ દબાવીને તેનો શ્વાસ બંધ ન થઈ ગયો ત્યાં સુધી મૂકી રાખેલો જોવા મળે છે. જયોર્જના મોતને લઈને અમેરિકાભરમાં વિરોધ કરવામાં આવી રહ્યા છે, જેને પગલે વોશિંગટન ડીસી સહિતના 40 શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તે સિવાય વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વધારે બગડતા ડોનાલ્ડ ટ્રમ્પને તેમની સુરક્ષા માટે વાઈટ હાઉસમાં બનેલા બંકરમાં લઈ જવા પડ્યા હતા.
