શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. અને રાજ્યમાં ધીમે – ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે નવેમ્બર તારીખ 26થી 30 દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. ડિસેમ્બરની શરૂઆતમાં રાજસ્થાન ગુજરાતના ભાગોમાં ઠંડી વધવાની સંભાવના છે.
દેશના બંગાળાના ઉપસાગરમાં પણ દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ચક્રવાતની શકયતા રહી શકે છે. જયારે અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ ઉભુ થવાની શકયતા રહે. આથી ગુજરાતમાં પણ ઠંડીનો પારો વધી શકે છે. રાજ્યમાં પાંચ ડિસેમ્બર સુધીમાં દરિયા કિનારે ભારે પવન અને દરિયો તોફાની બનવાની સંભાવના છે તેવું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
આગળ આવેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ફરીથી માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગના મતે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆર મહિનામાં અતિશય ઠંડી પડે તેવી સંભાવના છે.
