રાજ્યસભાની ચાર બેઠક માટે આજે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 9 વાગ્યે શરુ થઇ ગયું હતું જે સાંજે 4 વાગ્યે પૂરું થશે અને સાંજ સુધીમાં રિઝલ્ટ આવી જશે. ત્યારે એનસીપી ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા મતદાન માટે પહોંચ્યા હતા. ત્યાર પછી તેમણે જણાવ્યું કે તેમણે પાર્ટીના આદેશ અનુસાર મતદાન કર્યું છે. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે તેમણે ભાજપને મત આપવાની વાત કહી હતી અને પાર્ટી દ્વારા કોંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવ્યું છે.
“મેં પાર્ટીના આદેશ પ્રમાણે વોટિંગ કર્યું છે. 2017માં પણ પાર્ટીના અધ્યક્ષના આદેશ પ્રમાણે મતદાન કર્યું હતું. હાલ કોને મત આપ્યો છે તે હું ન કહી શકું. કારણ કે તેનાથી ગુપ્તતા નથી રહેતી. પરંતુ પાર્ટીના આદેશ પ્રમાણે મેં મતદાન કર્યું છે.” કાંધલ જાડેજાના નિવેદન પરથી ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભાજપના ત્રણેય ઉમેદવારોને જીત માટે 105ના વોટની જરૂર છે. ભાજપ પાસે 104 વોટ છે. કાંધલનો મત કૉંગ્રેસને પડે તો ભાજપે હવે વોટિંગ માટે બીટીપી પર જ આધાર રાખવો પડે.
કાંધલ જાડેજા વોટિંગ માટે બીજેપીના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે આવ્યા હતા અને તેમની સાથે જ ગયા હતા. આથી તેઓ મીડિયા સામે ખોટું બોલી રહ્યાનું લોકો માની રહ્યા છે.
આ પણ વાંચો : ગલવાન ઘાટીમાં થયેલ અથડામણના 3 દિવસ પછી ચીને 2 મેજર સહીત 10 જવાનોને છોડ્યા
