હાલમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂના વેચાણ અંગે એક વક્તવ્ય આપ્યું હતું. જેના કારણે રાજનીતિક માહોલ ગરમાયુ છે. એમને કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘરે-ઘરે દારૂ પીવાય છે. તેમનું નિવેદન આવ્યા પછી રાજ્યમાં દારૂબંધી પર વિવાદ ઊભો થઇ ગયો છે. તેમજ તીવ્ર પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે અશોક ગેહલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેમણે માફી માંગવી જોઈએ. આ રાજકારણની વાત છોડીને જો ગુજરાતમાં દારૂબંધીની હકીકત જોઈએ તો એ સાચે જ લોકોને ચોંકાવી દે એવી છે.
માત્ર ગત્ત 2 વર્ષમાં 250 કરોડની દારૂ
ગુજરાત સરકારે ગત્ત દિવસોમાં રાજ્યની વિધાનસભામાં આપેલા આંકડાઓ મુજબ ગત્ત બે વર્ષમાં પોલીસે આશરે રૂ.250 કરોડની દારૂ પકડી હતી. જેમાં વાહનોની કિંમત રૂ.350 કરોડ જેટલી છે.
દારૂની બ્લેક મની વ્હાઇટ કરવા પર લગામ
દારૂનું વેચાણ કરીને બ્લેકના પૈસા વ્હાઇટ કરવાનો ધંધો કરનાર લોકો સામે પોલીસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 9 લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં દાહોદ વિસ્તારના અશોક પાલનપુરી અને દમણના રમેશ માઇકલનો સમાવેશ થાય છે.
દારૂબંધીના કારણે રાજ્યને રૂ.9000 કરોડ થી વધુનું નુકશાન
ગુજરાત સરકારે 12માં ફાયનાન્સ કમિશન સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની કારણે રાજ્યને દર વર્ષે રૂ. 9000 કરોડનું નુકશાન થાય છે. જેની ભરપાઈ કેન્દ્ર સરકાર છે.
હાઇકોર્ટમાં થયેલા દારૂબંધી કેસમાં સરકારનો જવાબ બાકી
વર્ષ 2018 ના ઓક્ટોબર મહિનામાં દારૂબંધી દૂર કરવા માટે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. પિટિશન દાખલ કરનાર પરસી કાવીનાના વકીલોની દલીલ હતી કે દારૂબંધીનો નિયમથી બંધારણે આપેલા આર્ટિકલ 21 હેઠળ મળેલા અધિકારોનો ભંગ થાય છે. નિયમ મુજબ દારૂ એ ફૂડની કેટેગરીમાં આવે છે. વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવે તે સરકાર નક્કી નહીં કરી શકે. તેમજ તેમણે કહ્યું કે હજારો વર્ષોથી દારૂનો ઉપયોગ થતો આવ્યો છે. એટલે સરકારે હવે દારૂબંધીનો નિયમ કાઢી મુકવો જોઈએ. આ અંગે ફ્રેબ્રુઆરી 2019માં કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. ત્યાર થી માંડીને આજ સુધી તારીખો જ પડતી આવી છે.
રાજ્યમાં દારૂના 3.99 લાખ કેસ પેન્ડિંગ
ગુજરાત રાજયમાં હાલમાં વર્ષ 2017 થી દારૂના આશરે 3.99 લાખ કેસ પેન્ડિંગ ચાલે છે. 55 હજાર કેસ બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળના છે.
દારૂના કેસોની મોટાભાગની એફઆઈઆર એકસમાન
રાજ્ય સરકારને વર્ષ 2019 ના મેં મહિનામાં હાઇકોર્ટે કહ્યું કે, વર્ષ 2017 થી 18 દરમિયાનના દારૂના કેસોની એફઆઈઆર જોઈએ તો તમામનું લખાણ એકસમાન જ છે. લખાણ જોઈને એવું લાગે છે કે બધું પહેલાથી નક્કી કરેલું હોય તેવું જ લાગે છે. જેમાં દરોડો પડે છે અને બુટલેગર ભાગી જાય છે. સરકારે આ અંગે તપાસ કરવી જોઈએ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.