દેશના ટોચના 8 જેટલા યાર્ન ઉત્પાદક સ્પીનરોએ ભેગા મળીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટીની કરેલી સિફારીશને કેન્દ્ર સરકારની સંસ્થા ડીજીટીઆર (ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી)એ સ્વીકારી લઇને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણ દેશના નાણાં મંત્રાલયને કરી દેતા સુરતના વીવર્સ કારખાનેદારો ફરીથી અકળાયા છે. સુરતમાં એવા 12 હજાર જેટલા કારખાનેદારો જેઓ આયાતી પોલીએસ્ટર સ્પન યાર્નનો ઉપયોગ કરીને કોટન સાડી, સ્કુલ યુનિફોર્મ સમેતના કાપડનું ઉત્પાદન કરે છે, જો પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાગૂ કરવામાં આવશે તો આ ઉદ્યોગોને ભારે આર્થિક ફટકો સહન કરવો પડશે. આ બાબતે નાણાંમંત્રી નિર્મલા સીતારમનને રજૂઆતો કરવાનો તખ્તો ઘડાયો છે.
ફેડરેશન ઓફ ઇન્ડીયન આર્ટ સિલ્ક વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ભરત ગાંધીએ નાણામંત્રી નિર્મલા સીતારમનને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે એક નીતિ ઘડી છે કે સ્થાનિક ઉદ્યોગોના હિતમાં કોઇપણ પ્રકારના ઉત્પાદનમાં જે ચીજવસ્તુઓ કી-રૉ મટિરિયલ તરીકે વપરાશમાં લેવાતી હોય તેના પર કોઇપણ પ્રકારની ડ્યૂટી લાગૂ નહીં કરાય, આમ છતાં ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા પોલીએસ્ટર સ્પન યાર્ન પર ડ્યૂટી વસૂલવા માટે નાણાંમંત્રાલયને ભલામણ કરી દેવામાં આવી છે.

વીવીંગ ઉદ્યોગના અગ્રણી મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે સુરતના કમસે કમ 12 હજાર જેટલા વીવીંગ કારખાનેદારો છે જેઓ આયાતી પોલીએસ્ટર સ્પન યાર્નનો ઉપયોગ કરીને સ્કુલ યુનિફોર્મ, કોટન સાડી, જોધપુરી, એલપીનો, ઇન્ડીયન શાંતૂન વગેરે જેવા ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. અત્યાર સુધી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી ન હતી પરંતુ, હવે પ્રતિ હજાર કિલોએ 124 ડોલરની ડ્યૂટી લગાડવામાં આવશે જેના કારણે સુરતના વીવીંગ કારખાનેદારો પર કાયમી રીતે મોટો આર્થિક બોજ થોપી દેવામાં આવ્યો છે.
સુરતમાં પોલીએસ્ટર સ્પન યાર્નના મહત્તમ વપરાશકારો
નાણામંત્રીના કરાયેલી રજૂઆતમાં જણાવવામા આવ્યું છે કે જે રીતે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના સૌથી વધુ વપરાશકારો આખા દેશમાં સુરતના જ હતા એવી જ રીતે ઇમ્પોર્ટેડ પોલીએસ્ટર સ્પન યાર્નના સૌથી વધુ વપરાશકારો સુરતના વીવીંગ કારખાનેદારો જ છે. દેશમાં મહિને 8000 મેટ્રીક ટન જેટલું પોલીએસ્ટર સ્પન યાર્ન ચાઇના, વિયેતનામ અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. આ પૈકી 6000 મેટ્રીક ટન જેટલો જથ્થો એકલા સુરતના વીવીંગ કારખાનાઓમાં કાપડ ઉત્પાદન માટે આયાત કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પોલીએસ્ટર સ્પન યાર્ન પર ડ્યૂટી લાગૂ કરાઇ ન હતી પરંતુ, હવે એન્ટી ડમ્પિંગ ડ્યૂટીને કારણે સુરતના વીવીંગ કારખાનેદારો માટે કપરી સ્થિતિ સર્જાશે તેવો ભય છે.
આયાતી પોલીએસ્ટર સ્પન યાર્નને મોંઘુ થાય એ માટે તાજવીજ
ફિયાસ્વી દ્વારા કેન્દ્રીય નાણાંમંત્રીને એવી ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે કે અત્યાર સુધી પોલીએસ્ટર સ્પન યાર્નના ભારતીય ઉત્પાદકોએ કોરોના પછી યાર્નના ભાવોમાં 100 ટકા જેટલો જંગી વધારો કરી દીધો છે, પરિસ્થિતિ એ આવીને ઉભી કે ઇન્ડિયન મેડ પોલીએસ્ટર સ્પન યાર્ન કરતા તો ઇમ્પોર્ટેડ સ્પન યાર્ન સસ્તું પડવા માંડ્યું અને ઇમ્પોર્ટેડ પોલીએસ્ટર સ્પન યાર્નની ક્વોલિટી પણ ચાર ચાસણી ચઢે એવી છે. પરિણામે આખો ખેલ મુઠ્ઠીભર સ્પીનર્સોએ રચીને આયાતી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાગૂ કરવા માટે ડીજીટીઆર પાસે સિફારીશ પણ કરાવી લીધી છે. હવે જો પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ થઇ જાય તો આયાતી માલ મોંઘો થઇ જશે અને વીવીંગ કારખાનેદારોને ભારતના સ્પીનર્સે તૈયાર કરેલા પોલીએસ્ટર સ્પન યાર્ન લેવાની ફરજ પડશે.