ભારતમાં ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેને લઈને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2005 જેવો જળપ્રલય આવ્યો છે. તે ઉપરાંત, 107 કિ.મી.ની ઝડપે પવનની સાથે ધોધમાર વરસાદે ચારે તરફ પાણી પાણી કરી દીધું છે. મુંબઈ તથા પરા વિસ્તારમાં બુધવારના રોજ થયેલા ભારે વરસાદના કારણે થાણે અને પાલઘર જિલ્લામાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અનુસાર આગામી 2 દિવસ ગુરુવાર અને શુક્રવારે થાણે, મુંબઈ અને કોંકણમાં અતિ ભારે વરસાદથી આગાહી હોવાથી રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 કલાકમાં દહાણુમાં 364 મિમિ, ભયંદરમાં 169 મિમિ, મીરાં રોડમાં 159 મિમિ, થાણે સિટી, ડોમ્બિવલી અને કલ્યાણમાં 120 મિમિ તથા મુંબઈ શહેરમાં 30 મિમિ તથા બાન્દ્રા અને કુર્લામાં 70 મિમિ વરસાદ નોંધાયો હતો. વધુ વરસાદના કારણે થાણેમાં 100થી વધારે વૃક્ષો ધરાશાયી થતા ઘણા વાહનોને નુકસાન થયું હતું. થાણે, કલ્યાણ અને ભીવંડીમાં નાળા છલકાયા હતા. NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા બોટની મદદથી 200 મુસાફરોને સલામત સ્થળે ખસેડાયા હતા.

મુંબઈ અને તેના પરા વિસ્તારની પરિસ્થિતિ જોતા 10 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં, કાંદિવલીમાં પશ્ચિમી એક્સ્પ્રેસ રાજમાર્ગ પર ભૂસ્ખલન થતાં દક્ષિણ મુંબઈ તરફનો વાહન વ્યવહાર અટકી ગયો છે. મુંબઈમાં ઠેર ઠેર રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેનો અટકી ગઈ છે. હાર્બર લાઇન પર રેલવે સેવાઓ સંપૂર્ણ ઠપ્પ થઇ ગઇ હતી. પશ્ચિમ રેલવેએ બાંદ્રાથી ચર્ચગેટ સુધીની સેવાઓ સ્થગિત કરી દીધી હતી. તે ઉપરાંત, વધુ પાનની ભરાઈ ગયેલા 8 વિસ્તારોમાંથી 40 કરતા વધારે રૂટની બસો ડાયવર્ટ કરાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા બીએમસીએ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમજ પાણી ભરાયેલું હોવાથી દક્ષિણ મુંબઈમાં ઘણા કર્મચારીઓ કોર્ટમાં ન પહોંચતા બોમ્બે હાઈકોર્ટે ઘણા કેસોની ઓનલાઈન સુનાવણી સ્થગિત કરી નાખી હતી.

વધુ વરસાદથી મુંબઈ એરપોર્ટની આસપાસ સાત ફ્લાઈટને ફરતી રાખવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર એક પણ ફ્લાઈટને કેન્સલ કરાઈ નથી. પરિસ્થિતિને કાબુમાં લેવા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં તેમણે અધિકારીઓને એલર્ટ પર રહેવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, નદીઓમાં પૂરની સ્થતિ સર્જાઈ
મદદ માટે પીએમ મોદીએ આપી ખાતરી
આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે સામે આવી છે. PM મોદીએ મોડી સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન ઉપર વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી તમામ પ્રકારે મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
