સુરતના વરાછા વિસ્તારમાં આવેલા તક્ષશિલા શોપિંગ સેન્ટરમાં ચાલતા ટયુશન કલાસમાં આગ લાગવાથી 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા બાદ આખા રાજ્યના ટ્યુશન ક્લાસીસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતની 36000 જેટલી શાળાઓમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી શાળામાં ભણતા બાળકોની સુરક્ષા રામભરોસે છે.
આ શાળાઓમાં આશરે 75 લાખ બાળકો ભણે છે, તો આવા સંજોગોમાં જો આગ લાગે તો ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવાથી બાળકોની શું હાલત થાય તે સમજવા જેવી છે. માત્ર સરકારી શાળા જ નહીં પરંતુ 10000 જેટલી પ્રાઈવેટ શાળાઓમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ છે જે અંગે સરકાર આંખ આડા કાન કરી રહી છે.
આ પણ વાંચો : 20થી વધુ માસૂમના મોત પર નાના ભૂલકાઓ પહોંચ્યા તંત્ર પાસે ન્યાય માંગવા માટે
ટ્યુશનમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે પરંતુ પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા 25-30 લાખ જેટલી છે. પરંતુ તેમના ભવિષ્ય અંગે સરકાર કોઈ અસરકારક પગલાં ભરી રહી નથી. સરકારના સ્કૂલ એજ્યુકેશન વિભાગના સેક્રેટરી વિનોદ રાવના કહેવા પ્રમાણે શાળામાં ફાયર સેફ્ટીના નિયમો છે, પરંતુ તેના માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોન્ટરીંગ મિકેનીઝમનો અભાવ છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ આ ઘટના બાદ દરેક શાળા સામે યોગ્ય પગલા ભરવાનો નિર્ણય લીધો છે. સરકાર આ અંગે દરેક શાળાઓને સર્ક્યુલર મોકલી રહી છે અને સ્થાનિક તંત્ર સાથે કોઓર્ડિનેટ કરીને દરેક શાળામાં ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવશે.