8 મી ઓક્ટોબર, 1932માં “રોયલ ભારતીય વાયુસેના” એવા નામથી દેશની વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય કરાવતી અને દેશના સીમાડાની રક્ષા કરતી ભારતીય વાયુસેનાના સન્માન માટે પ્રતિ વર્ષ તા.8મી ઓકટોબરના રોજ ‘ભારતીય વાયુસેના દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 88મા વાયુ સેના દિને વાત કરવી છે એવા આકાશી યોદ્ધાની જેમણે ભારતીય વાયુસેનામાં સતત 23 વર્ષ સુધી ‘ગ્રાઉન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટ્રકટર’ તરીકે સફળ ફરજ બજાવ્યાં બાદ સુરતમાં છેલ્લાં ત્રણ મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાની જવાબદારી સંભાળી છે. આ આકાશી યોદ્ધા છે હરેનકુમાર ગાંધી, જેઓ ચિફ સિક્યુરીટી ઓફિસર તરીકે રજા લીધા વિના સેવા આપીને સાચા અર્થમાં ‘એર વોરિયર ટુ કોરોના વોરિયર’ બન્યાં છે. દેશની સરહદોની રક્ષા કરી અને હવે સુરતવાસીઓની સુરક્ષામાં તૈનાત છે.

48 વર્ષીય હરેનકુમાર કોરોના વોરિયર તરીકે સુરત આરોગ્ય અને વહીવટીતંત્ર સાથે ખભેખભા મિલાવી કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યાં છે. વર્ષ 1999માં પાકિસ્તાન સામે ખેલાયેલાં કારગિલ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સામે ‘ઓપરેશન પરાક્રમ’માં પણ સામેલ થયાં હતાં. તેઓ મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડાના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર પૂર્વ એરફોર્સ ઓફિસર હરેનકુમાર વર્ષ 1990માં 18 વર્ષની નાની વયે જ વાયુસેનામાં જોડાયા હતાં. વર્ષ 2013માં વી.આર.એસ. લઈ નિવૃત્ત થયાં હતાં. ભારતીય વાયુસેનામાં ફિઝિકલ ફિટનેસ, ડ્રિલ, શસ્ત્રોની તાલીમ, યોગ અને સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રકટર તરીકે તેમણે 23 વર્ષ સુધી સુદીર્ઘ સેવાઓ આપી હતી.

તેમણે 15મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીના રાજપથ પર યોજાતી રાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટ્સમાં યોજાતી પરેડમાં પાંચ વર્ષ સુધી વાયુસેનાની માર્ચિંગ ટુકડીના જવાનોને તાલીમ આપવાની ફરજ બજાવી હતી. આ વિશે ગાંધી જણાવે છે કે, ‘કારગિલ યુદ્ધ દરમિયાન દેશની આર્થિક રાજધાની મુંબઈ અને બોમ્બે હાઈ પર પાકિસ્તાની એરક્રાફ્ટસ દ્વારા હવાઈ હુમલાનું જોખમ હતું. જેના મિલીટરી ઈનપુટ્સ હોવાથી એ સમયે વાયુસેનાએ દીવના દરિયાકાંઠે રડાર ગોઠવ્યું હતું, કારણ કે મુંબઈ પહોંચવા ગુજરાતના દરિયાકાંઠા પરથી પસાર થવું પડે. રડારના સંચાલન માટેના યુનિટના સભ્યોની ફિટનેસ જાળવણીની અને રડારની સુરક્ષાની તમામ જવાબદારી વહન કરી હતી. આ રડારના કારણે પાકિસ્તાની એરક્રાફ્ટ ભારતીય હવાઈ સીમામાં ફરકી પણ શક્યા ન હતાં.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ત્રણ મહિનામાં સિવિલમાં ટ્રાફિક, મેન પાવર, ફાયર સેફટી, ટ્રાફિક નિયમન, ખાસ કરીને આગ જેવી આકસ્મિક ઘટના ન બને તે માટે સિવિલના તબીબોથી લઈ વોર્ડબોય સુધીના 1050 જેટલાં કોરોના વોરિયર્સને આગ સામે તાલીમ આપી છે. નવી સિવિલમાં સુરક્ષા સંબંધિત ઘણાં નોંધનીય પગલાં લીધા જેના કારણે સિવિલ તંત્ર અને દર્દીઓ, મુલાકાતીઓની સુરક્ષાવ્યસ્વથા અને ટ્રાફિક નિયમન નમૂનેદાર બનાવ્યું છે. તંત્રને પીપલ ફ્રેન્ડલી બનાવી લોકો અને મુલાકાતી દર્દીઓના પરિજનો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવાની તાલીમ આપી છે, જેના ખુબ સારા પરિણામ મળ્યા છે, સાથે લોકોનો દર્દીઓના કુટુંબીજનોનો પણ સાથ સહકાર મળ્યો છે. ‘ઝીરો વેઈટીંગ’ જળવાઈ રહે, દર્દીઓને સારવાર માટે રાહ ન જોવી પડે એ માટે નવી સિવિલની કોવિડ હોસ્પિટલને નો-પાર્કિંગ ઝોન બનાવ્યો, જેમાં માત્ર એમ્બ્યુલન્સ અને આવશ્યક વાહનો સિવાય કોઈ અન્ય વાહનોને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. ‘ઝીરો વેઈટીંગ’ માટે આરોગ્ય તંત્રને તાલીમ પણ આપી હોવાનું શ્રી ગાંધી જણાવે છે.
આ પણ વાંચો : અડધુ યુરોપ ફરી લોકડાઉન હેઠળ જાય તેવા સંકેત

ભારતીય સેનામાં જોડાઈ ગુજરાતી યુવાનો પોતાનું કૌવત અને દેશદાઝ દર્શાવી શકે એ માટે તેમણે સુરતમાં પ્રિ-મિલીટરી ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના કરી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત ટ્રાફિક વિભાગને ખાસ પ્રકારના ડ્રોન સાથે સ્વયંસેવકોની ત્રણ ટીમ નિ:શુલ્ક પૂરી પાડી હતી. સાથે 1000 ટ્રાફિક જવાનોને તાલીમબધ્ધ કર્યા છે. હાલમાં જ તેમની અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ, ગુજરાતના સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઈ છે.
(મહેન્દ્ર વેકરીયા)
