આપણા જીવન જન્મથી મરણ સુધી સારા નરસા પ્રસંગોમાં ફુલોની માંગ રહે છે. જેમાં, ઇશ્વરની આરાધના,સ્ત્રીનો શુંગારમાટે ફુલોની જરૂર પડે છે. ફક્ત આપણા જીવનમાં જ નહિ શાસ્ત્રોમાં પણ ફુલોની ભવ્યતાના દર્શન થાય છે.અત્યારે, ખેડૂતોને બાગાયતી ખેતી માટે સરકાર મદદ કરે છે. હાલમાં ખેડૂતો સામાન્ય ખેતીની તુલનાએ રોકડીયા પાક, અને ફૂલોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. માત્ર 15 ગુંઠા જમીનમાં ફુલપાકની ખેતી કરી નિવૃત્ત શિક્ષક ધીરૂભાઈ એન.પટેલ લાખોની કમાણી કરી રહ્યા છે.
ધીરુભાઈ સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણીયા ગામના રહે છે. તેઓ શૈક્ષણિક કાર્યથી 2014માં નિવૃત થઇ ફુલોની મૂલ્યવર્ધિત ખેતી કરવામાં જોડાયા. સુરત બાગાયત કચેરીએ ધીરૂભાઇને એક હજાર ચો.મી. માં ગ્રીનહાઉસ માટે 75 ટકા મુજબ રૂ.9.35 લાખ અને ગ્રીનહાઉસ જરબેરા વાવેતર માટે રૂ.75 ટકા મુજબ રૂ.1.80 લાખની સહાય આપવામાં આવી હોવાનું નાયબ બાગાયત અધિકારી પડાલીયાએ જણાવ્યું. સુરતમાં 415 હેકટર અને મહુવા તાલુકામાં 86 હેકટર વિસ્તારમાં બાગાયતી ફુલોની ખેતી થાય છે.

ધીરૂભાઈએ જણાવ્યું કે, મને પહેલાથી જ ફુલો સાથે અનોખો લગાવ છે. મે 1998 પછી ઘરઆંગણે શોખ ખાતર ગલગોટા, ગુલાબ, ગિલાડીયા જેવા ફુલો વાવતા. જેમાંથી વધારાના ફુલોને નજીકના કરચેલીયા, અનાવલની બજારોમાં વેપારીઓ, માળીઓને વેચતા હતા. જયારે શૈક્ષણિક કાર્ય નિવૃત્ત બાદ પ્રેરણા મળી કે, જે ફુલો માળીને રૂ.20ના કિલોના ભાવે વેચીએ તે ફુલ માળીઓ હાર કે બુકે બનાવીને રૂ.50 થી 60માં વેચાણ કરે છે. જેથી મારા પુત્ર તેજસ સાથે માળી પાસેથી તાલીમ લઈ નાના પાયે ફુલોની ચીજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ, ઘરઆંગણે દુકાન શરૂ કરી લગ્ન કે અન્ય સારા નરસા પ્રસંગોએ નાના-મોટા ઓર્ડરોમાં હાર, ગજરા, કલગી, તોરણ, બુકે, કાર્યક્રમોમાં સ્ટેજ શણગારના ઓર્ડર લેવાનું શરુ કર્યું.
ધીરૂભાઈએ આત્મા પ્રોજેકટ તથા અન્ય તાલીમ કાર્યક્રમોમાં આણંદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નારાયણ પુના, બેંગ્લોર, રાષ્ટ્રીયકક્ષાના બાગાયતી શિખર સંમેલનોમાં પણ ભાગ લઈ ફ્લોરીકલ્ચર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાની તાલીમ મેળવી છે. ધીરૂભાઈ કહ્યું કે, ‘ઘરે ધંધો શરૂ કર્યો પણ ઝરબેરા, ગુલાબ જેવા ફુલો બજારમાંથી લાવવા પડતા જેથી 10 ગુંઠા જમીનમાં ગ્રીનહાઉસ બનાવીને જરબેરાનું ઉત્પાદન કરૂ છું. ગ્રીનહાઉસ દ્વારા અંદરના નિયંત્રિત વાતાવરણના કારણે સારી ગુણવત્તાવાળા જીવાતમુક્ત ફુલો મેળવી શકાય છે. અન્ય બીજી પાંચેક ગુંઠા જમીનમાં ગુલાબ, સ્પાઈડર લીલી, અશ્વગંધા, ડચ રોઝ જેવા 13 થી 14 જાતના વિવિધ ફુલપાકો તથા પુજાના સામાન માટે ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાન, બિલીપત્ર, તુલસી, આસોપાલવ, બીજોરૂનું ઉત્પાદન અને માર્કેટીંગ કરીને વર્ષે રૂ.3.70 લાખની ચોખ્ખી આવક મળે છે.
ધીરૂભાઈને ફલોરિકલ્ચર સિધ્ધિ માટે વર્ષ 2016-17ના વર્ષે રાજ્ય સરકારના આત્મા પ્રોજેકટ હેઠળ મૂલ્યવર્ધિત ખેતીનો તાલુકા કક્ષાનો રૂ.10 હજારનો પુરસ્કાર મળ્યો છે. તેમજ ધીરૂભાઈને ગ્રીનહાઉસમાં ગુલાબ, જરબેરાની વિવિધ વેરાયટીના ફલાવર્સનું સફળ ઉત્પાદન અને માર્કેટીગ કરીને 5 જેટલા યુવાનોને રોજગારી પુરી પાડવા બદલ રાષ્ટ્રીયકક્ષાનો એગ્રીકલ્ચર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
ધીરુભાઈને ત્યાં તાલીમ લઈ ત્રણથી ચાર યુવાનો જાતે ફુલોની ખેતી કરી જાતે વ્યવસાય કરીને રોજગારી મેળવતા થયા છે. તેઓ ખેડુતોને ખેતીમાં પાયાની જાણકારી આપતા કહે છે કે, ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તન અને સરકારના પ્રોત્સાહનના કારણે ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા છે. તેમણે ફ્લોરીકલ્ચરમાં જમીન-પાણીની સમયસર ચકાસણી, પાકની પસંદગી, લાબા-ટુંકા ગાળાના પાકો, ખાતર, દવા, બ્રાન્ડેડ કંપનીના બીજોની ખરીદી જેવી બાબતોનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. બાગાયત ખાતુ ફૂલોની ખેતી માટે સહાય આપે છે. પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ.16,000ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ.10,000 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. જેનો લાભ બાગાયત ખાતાથી મેળવીને આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી લઈ શકાય છે.