અમદાવાદ શહેરમાં ચોમાસા પછી રસ્તાઓની હાલત કફોડી બની છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં લોકોએ અનેક વખત રજૂઆત કરી છે. તેવામાં કેટલાક રસ્તાઓ પર થીગડા મારી કામચલાઉ રસ્તો કરી આપવામાં આવ્યો છે. પણ નરોડા વિસ્તારમાં પરિસ્થિતિ જેમની તેમ છે. જેમાં ઉત્તર ઝોનમાં નરોડા પાટિયા પર થઈ રહેલા પેચવર્કની કામગીરીની ઓચિંતી મુલાકાત લેવા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇ પહોંચ્યા હતા. રોડના પેચવર્કની કામગીરીની તેઓએ સમીક્ષા કરી હતી. તેમજ અમદાવાદ શહેરમાં 26000 જેટલા ખાડા પડ્યા છે જેને પૂરવામાં આવ્યા હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, નરોડા પાટિયા ખાતે રોડની કામગીરી 20 ટન હોટમિક્ષ મટિરીયલની ગાડીથી કામગીરી કરવામાં આવી છે. રોડ રસ્તા પર પડેલા ખાડા એકલા વરસાદના નથી પડ્યા. ગટર લાઇન, પાઇપ લાઇન, ઉપરાંત ખાનગી કંપનીઓના કેબલ નાખવા માટે પણ ખોદકામ કરેલું છે. આ તમામ જગ્યાઓ પર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. હાલ 10 જેટલા પેવર મશીનથી કામ ચાલી રહ્યું છે અને વધુ જરૂર પડશે તો બીજા મશીન પણ મંગાવવામાં આવશે.
અમદાવાદમાં ખાડા પૂરવા માટે 39,588,19 મેટ્રિક ટન જેટલો હોટમિક્ષ મટિરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને છેલ્લા દસ દિવસમાં 24770 મેટ્રિક ટન જેટલા હોટમિક્ષ વાપરવામાં આવ્યો છે. અમદાવાદનાં તમામ રોડ પર પડેલા ખાડા પૂરી દેવામાં આવશે. પરંતુ હજી સુધી 26 હજાર જેટલા જ ખાડા પૂરવામાં આવ્યા છે. હજી પણ કેટલાક ખાડા રસ્તા પર બાકી રહ્યા છે જેનું પેચવર્ક ચાલી રહ્યું છે.