સમગ્ર દેશમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગના નવા સ્થપાતા યુનિટોમાં 50 ટકા સુરતમાં હોય છે
મુંબઇના ગોરેગાંવ સ્થિત નેસ્કો ખાતે તા.5થી 8 એપ્રિલ દરમિયાન યોજાનારા જ્વેલરી મશીનરી એક્ષ્પોમાં સુરત અને ગુજરાતથી ત્રણેક હજાર મુલાકાતીઓ પહોંચશે
આગામી એપ્રિલની 5થી 8મી તારીખ દરમિયાન મુંબઇના ગોરેગાંવ સ્થિત નેસ્કો ખાતે આયોજિત જ્વેલરી મશીનરી એન્ડ એલાઇડ ઇન્ડીયા ઇન્ટરનેશનલ એક્ષ્પોમાં સુરતથી જ્વેલર્સ, જ્વેલરી મેન્યુફેક્ચરર્સ, ઝવેરીઓ જોડાય તે માટે આજે સુરત ખાતે રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્વેલરી ઉત્પાદનમાં જરૂરી દરેકે દરેક નાની મોટી ચીજવસ્તુઓ, ટૂલ્સ, મશીનરીથી લઇને રોબોટ્સ સુધીની ચીજવસ્તુઓનો લાઇવ ડેમો આ એક્ષ્પોમાં યોજાશે. અત્યાર સુધી ભારતમાં એવું જ બનતું આવ્યું છે કે જ્વેલરી એક્ષ્પોની સાથે અમૂક હિસ્સામાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી મશીનરીનો ડિસ્પ્લે કરી દેવાતો હતો, ભારતમાં પહેલીવાર મુંબઇ ખાતે જ્વેલરી માટે જરૂરી મશીનરીનો વિશાળ અને આંતર રાષ્ટ્રીય સ્તરનો એક્ષ્પો યોજાઇ રહ્યો છે.

મુંબઇ ખાતે આગામી એપ્રિલના પહેલા સપ્તાહે યોજાઇ રહેલા જ્વેલરી મશીનરી એક્ષ્પો અંગે વધુ માહિતી આપતા આયોજકો પૈકીના કેતન જાટકીયા અને પરાગ ગાંધીએ જણાવ્યું હતું કે સુરત રોડ શો કરવાનું કારણ જ એ છે કે સમગ્ર ભારતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના 50 ટકા જેટલા એકમો એકલા સુરતમાં સ્થપાયા છે. કોરોના કાળમાં સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું કામ એટલું વધી ગયું કે જેટલું સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે. એટલે સુરતમાં ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને જ્વેલરી મશીનરી ક્ષેત્રમાં આવેલી નવીનત્તમ ટેક્નોલોજી, મશીનરી, રોબોટ્સ, અન્ય ટૂલ્સ, સોફ્ટવેર વગેરેની જાણકારી અને લાઇવ ડેમો મળે તે માટે આ એક્ષ્પો અત્યંત ઉપયોગી અને લાભદાયી નિવડશે.
મુબઇ ખાતે યોજાઇ રહેલા જ્વેલરી મશીનરી એક્ષ્પોમાં 250 જેટલા મશીનરી ઉત્પાદકો પોતાના ઇક્વીપમેન્ટ્સ તેમજ ટૂલ્સ, મશીનરી વગેરે ડિસ્પ્લે કરી રહ્યા છે. જેમાંથી વીસથી વધુ એક્ઝિબિટર્સ ઇટલી, જર્મની, ઇઝરાયેલ, ટર્કી, ચાઇના વગેરે દેશોમાંથી આવી રહ્યા છે. સુરતમાંથી ત્રણ એક્ઝિબિટર્સ પણ આ એક્ષ્પોમાં સ્ટોલ ધરાવે છે જ્યારે સુરત અને ગુજરાતમાંથી અંદાજે ત્રણેક હજાર લોકો મુંબઇમાં યોજાનારા જ્વેલરી મશીનરી એક્ષ્પોની મુલાકાત લેશે એવો અંદાજ છે.