સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબજ ઝડપથી ફરતો થયો છે. જેને જુઓ આ વાતની ચર્ચા કરી રહ્યુ છે કેમકે આ વાત 2000ની નોટને લઈને છે. સમાચાર એવા આવી રહ્યા છે કે 31 ડિસેમ્બર પછી 2000 રૂપિયાની નોટ બંધ થઈ જશે. લોકો સમાચાર સાંભળીને હેરાન પરેશાન થઈ રહ્યા છે વાયરલ મેસેજમાં કહેવાય છે કે મોદી સરકાર નિર્ણય લઈ ચુકી છે અને હવે 2000ની નોટની જગ્યાએ 1000ની નવી નોટો ચલણમાં આવશે.
કાળાનાણાંને રોકવા માટે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 8 નવેમ્બર 2016ની સાંજે PM મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ 500 અને 1000ની નોટોને ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી. કેશની ભારે તકલીફ પડી હતી લોકો લાંબી લાઈનો લગાવી નોટ બદલાવી રહ્યા હતા. નોટબંધીની સાથે જ 2000ની નવી નોટો ચલણમાં આવી હતી.

હાલતો એક જ ચર્ચા છે કે શું 2000ની નોટો બંધ થઈ જશે? મામલો એટલો ગંભીર છે કે સંસંદમાં પણ ગુંજવા લાગ્યો છે. જે લોકો નોટો સંગ્રહી રાખે છે તેમને સતત ભય સતાવી રહ્યો છે કે શું 2000ની નોટો બંધ થઈ જશે? સરકારે આ મામલે સફાઈ આપવી પડી છે. રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યુ કે 2000ની નોટ બંધ કરવાની હાલ કોઈ જરૂર જ નથી.
અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારોને માત્ર અફવા ગણાવી છે. ઠાકુરે જણાવ્યુ કે, જે રીતે માર્કેટમાં 2000ની નોટો છે આગળના સમયમાં પણ એ જ રીતે ચલણમાં રહેશે. અનુરાગે કહ્યુ કે આ માત્ર અને માત્ર અફવા છે તેના પર વિશ્વાસ ન કરવો. 2000ની નોટ બંધ પણ નહી કરીએ અને 1000ની નવી નોટ પણ માર્કેટમાં નહી આવે એ વાત તો નક્કી જ છે.
