ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને રંગીન કપાસ ઉગાડવામાં સફળતા મળી છે. આ સંશોધનથી હવે કપડાંમાં રાસાયણિક રંગનો ઉપયોગ કરવો નહીં પડે. કોમનવેલ્થ સાયન્ટીફીક એન્ડ ઈન્ડ્સ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું છે કે અમે કપાસના આણ્વિક રંગના જિનેટીક કોડ શોધવામાં સફળ રહ્યા છે. હાલમાં અને જુદા જુદા રંગના ટીસ્યુ તૈયાર કર્યા છે. થોડા સમયમાં તેને ખાતરમાં નાખીને ઉગાડવામાં આવશે. આ સાથે અમે એવા કપાસની જાત તૈયાર કરી રહ્યા છે કે જેના દોરાથી બનેલા કાપડમાં કરચલી પણ નહીં પડે અને તેને સ્ટ્રેચ કરવામાં સરળતા રહે. તેનાથી સિન્થેટીક કાપડનો ઉપયોગમાં ઘટાડો થશે.

તેમનું કહેવું છે કે, હાલમાં દુનિયામાં 60 ટકાથી વધુ પોલિસ્ટરનું ઉત્પાદન થાય છે, જે 200 વર્ષ સુધી નાશ નથી પામતા અને 1 કિલો પોલિસ્ટરને રંગવા માટે 1000 લિટર પાણીની જરૂર પડે છે. જો આ કપાસ ઉગવમાં સફળતા મળશે તો કપાસમાંથી તૈયાર કરવામાં આવેલા કાપડને રંગવા માટે રાસાયણિક રંગની જરૂર નહીં પડે, જે શરીરની સાથે પર્યાવરણ માટે પણ લાભદાયી છે.
આ ઓર્ગેનાઈઝેશનના વડા કોલિન મેકમિલને કહ્યું છે કે, અમે કપાસના આણ્વિક જિનેટીક કલર કોડને એ રીતે રોપ્યો છે, જે જાતે જ બીજા રંગના કપાસ પેદા કરે. અમે સૌ પ્રથમ તમાકુના છોડ પર પ્રયોગ કર્યો હતો તો પાંદડામાં રંગની ધબ્બા જોવા મળ્યા હતા, તે જોઈને કપાસ પર આ પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. જો આમાં સફળતા મળે તો ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મોટા બદલાવો જોવા મળશે.

ભારતમાં પણ રંગીન કપાસને લઈને ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે. જેમાંથી વૈજ્ઞાનિકોને માત્ર ભૂરા અને લાલ રંગ સિવાય બીજા રંગોમાં સફળતા મળી નથી. જોકે , હજુ પણ ઘણા રાજ્યોમાં આ અંગેનું રિસર્ચ ચાલુ છે.
