નીતિ આયોગ દ્વારા ‘એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2019’ જાહેર કરવામાં આવ્યું છે. જેના મુજબ કેરળ પ્રથમ ક્રમે છે જયારે બિહાર છેલ્લા ક્રમે છે. તેમાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય માપદંડોને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ક્રમ આપવામાં આવે છે. ગુજરાત 2018માં પણ સાતમા ક્રમે હતું અને આ વખતે પણ સાતમા ક્રમે જ રહ્યું છે જેનો અર્થ થયો કે ગુજરાતમાં કોઈ ગ્રોથ જ નથી થયો.
એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ, 2019 અનુસાર ઉત્તર પ્રદેશ, ઓડિશા અને સિક્કિમે સૌથી વધુ પ્રગતિ કરી છે. ગુજરાતના રેન્કિંગમાં ગયા વર્ષની સરખામણીમાં કોઇ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. 70ના સ્કોર સાથે કેરળે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 70ના સ્કોર સાથે ચંડીગઢે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશ આ ઇન્ડેક્સમાં બીજા ક્રમે છે. જ્યારે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગણા સંયુક્તપણે ત્રીજા ક્રમે છે. જયારે બિહાર, ઝારખંડ અને અરૂણાચલ પ્રદેશનો દેખાવ સૌથી ખરાબ રહ્યો છે.
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, ‘ભારત વગર યુનાઇટેડ નેશન્સનો 2030નો એસડીજી લક્ષ્યાંક ક્યારેય પણ હાંસલ કરી શકાશે નહીં. અમે યુએનના એસડીજીના ટારગેટને પહોંચી વળવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છીએ’. બીજી બાજુ નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ‘દક્ષિણના રાજ્યોએ આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરી છે. 14મા રેન્ક સાથે પશ્ચિમ બંગાળે નીતિ આયોગના એસડીજી ઇન્ડેક્સ, 2019માં સારી પ્રગતિ કરી છે’.
મળતી માહિતી અનુસાર ભારતનો સંયુક્ત સ્કોર 2018માં 57 હતો જે 2019માં વધીને 60 થયો છે. જો કે પોષણ અને જાતિ ભારત માટે હજુ પણ એક સમસ્યા છે. ગરીબી નિવારણના ક્ષેત્રમાં તમિલનાડુ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમ જેવા રાજ્યોએ સારી પ્રગતિ કરી છે. ભૂખમરો દૂર કરવાના ક્ષેત્રમાં ગોવા, મિઝોરમ, કેરળ, નાગાલેન્ડ અને મણિપુરે સારી પ્રગતિ કરી છે. નીતિ આયોગે યુનાઇટેડ નેશન્સની મદદથી ગયા વર્ષે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ શરૂ કર્યો છે.
