ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બધાએ એકસાથે મળીને સહકાર વૃત્તિથી આગળ વધી વિશ્વમાં પોતાની બ્રાન્ડ ઉભી કરવી પડશે : પોલીસ કમિશનર અજય તોમર
ઉદ્યોગ સાહસિકોએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પીએલઆઇ સ્કીમનો લાભ લઇ અદ્યતન મશીનરીઓના મેન્યુફેકચરીંગ ઉપર ફોકસ કરવું પડશે : ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ
ટેકસટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સ્કીમના ભાગરૂપે કુલ રોકાણના 60 ટકા જેટલું રોકાણ સુરતમાં આવે તો રૂપિયા ૩૦ હજાર કરોડનું રોકાણ સુરતમાં આવવાની સંભાવનાને નકારી શકાય નહીં : ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર (સિઝન ર)’ એકઝીબીશન યોજાયું છે. આ પ્રદર્શન માટે ચેમ્બરને સુરત ટેકસમેક ફેડરેશનનો સહકાર પ્રાપ્ત થયો છે.

12 માર્ચના રોજ સવારે 10:30 કલાકે ‘સીટેક્ષ– ર૦રર (સીઝન ર)’ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે પધારનાર સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરી ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેકસ કવિતા ભટનાગર, કસ્ટમ્સ એન્ડ સીજીએસટીના પ્રિન્સીપલ કમિશનર ડો. ડી.કે. શ્રીનિવાસ તથા ટેકસટાઇલ્સ મંત્રાલય– મુંબઇ ખાતેથી ટેકસટાઇલ્સ કમિશનર ઓફિસના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ અને ટેકસટાઇલ કમિશનર એસ.પી. વર્મા તથા સુરતના જોઇન્ટ ચેરીટી કમિશનર આર.ટી. પંડયા ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હવે એ–ટફની જગ્યાએ ટેકસટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સ્કીમ લાવવામાં આવી રહી છે. આ સ્કીમ હેઠળ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર વિવિંગ અને નીટિંગ ક્ષેત્રે રૂપિયા ૧ર૦ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એ–ટફ સ્કીમમાં દેશભરમાંથી ૬૦ ટકા જેટલું રોકાણ સુરતમાં આવ્યું છે ત્યારે ટેકસટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સ્કીમના ભાગરૂપે પણ કુલ રોકાણના ૬૦ ટકા જેટલું રોકાણ સુરતમાં આવે તો રૂપિયા ૩૦ હજાર કરોડનું રોકાણ સુરતમાં આવવાની સંભાવનાને નકારી શકાય નહીં.

નવસારી પાસે વાંસી–બોરસી ખાતે પીએમ–મિત્રા પાર્કમાં રૂપિયા પ૦ હજાર કરોડનું રોકાણ આવવાની સંભાવના છે. જેના થકી પાંચ લાખ લોકો માટે સીધી રીતે નવી રોજગારી ઉભી થશે. આ ઉપરાંત પીએલઆઇ સ્કીમના ભાગરૂપે ૧પ થી ર૦ ટકાનું રોકાણ દક્ષિણ ગુજરાતમાં આવશે તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી અદ્યતન મશીનરીઓમાં રોકાણ માટે ખૂબ જ વિશાળ તકો ઉભી થઇ રહી છે. તેમણે ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ગઇકાલથી યોજાયેલા ઇન્ડીયન ટેકસટાઇલ એકસ્પો વિશે પણ માહિતી આપી હતી.
ચીફ ગેસ્ટ તથા ઉદ્ઘાટક સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભારતભરમાં મોખરે છે અને સૌથી વધુ ડાયમંડ પણ અહીં પોલીશ્ડ થાય છે. આશરે ૮૦ હજાર કરોડનું ટર્નઓવર સુરતનું છે અને 11 બિલિયન યુએસ ડોલર ટેકસટાઇલની સાઈઝ છે, પરંતુ હવે માત્ર કાપડ વણાટથી કામ ચાલશે નહીં પણ પ્રોફીટ માટે રિસર્ચ કરીને ઇન્વેન્શન કરવું પડશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બધાએ એકસાથે મળીને ટીમવર્કથી કામ કરીને આગળ વધવું પડશે અને વિશ્વમાં પોતાની બ્રાન્ડ ઉભી કરવી પડશે.
કસ્ટમ્સ એન્ડ સીજીએસટીના પ્રિન્સીપલ કમિશનર ડો. ડી. કે. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ટેકનીકલ અપગ્રેડેશન માટે એકઝીબીશન યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેકસ કવિતા ભટનાગરે જણાવ્યું હતું કે, કોઇપણ ઇન્ડસ્ટ્રી માટે ચાલી રહેલા લેટેસ્ટ ટ્રેન્ડ વિશેની માહિતી એકઝીબીશન થકી જ મળી શકે છે. ચેમ્બર નહીં હોત તો સુરતનો કાપડ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ આજે આટલી હદે આગળ ન વધી શકયો હોત. જો કે, આત્મનિર્ભર અભિયાનને પગલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું પડશે અને પોતાની બ્રાન્ડ પણ બનાવવી પડશે.
ટેકસટાઇલ્સ કમિશનર ઓફિસના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલે જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કવોલિટી પ્રોડકશન માટે અદ્યતન મશીનરીની જરૂરિયાત પડે છે. જો કે, કમનસીબે ભારતમાં માત્ર રપ ટકા જ મશીનરી મેન્યુફેકચરીંગ થાય છે. જ્યારે ૭પ ટકા મશીનરીઓ માટે ડિપેન્ડેન્ટ રહેવું પડે છે. આથી ઉદ્યોગ સાહસિકોએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકારની પીએલઆઇ સ્કીમનો લાભ લઇ અદ્યતન મશીનરીઓના મેન્યુફેકચરીંગ ઉપર પણ ફોકસ કરવું પડશે. જ્યારે પીએમ–મિત્રા પાર્ક જેવી સ્કીમનો લાભ લઇ એકજ સ્થળે સમગ્ર ટેકસટાઇલ વેલ્યુ ચેઇનને ભેગા કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકાય. આ બાબત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના સારા ભવિષ્ય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને એકસપોર્ટ માટે જરૂરી છે.
સીટેક્ષ– ર૦રર (સીઝન ર) એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.રપ લાખ સ્કવેર ફૂટ એરિયામાં સમગ્ર ટેકસટાઇલ વેલ્યુ એડીશન ચેઇન પ્રોડકટસ, મશીનરીઝ અને ટેકનોલોજી સાથેના ૬૦ થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. નેશનલ ડેલીગેશન્સ પણ આ પ્રદર્શનમાં આવશે. આથી આ પ્રદર્શન થકી ટેકસટાઇલ ઉદ્યોગકારોને બિઝનેસ માટેની તથા નેટવર્કીંગ માટેની તક મળી રહીશે.
સુરત ટેકસમેક ફેડરેશનના ઉપપ્રમુખ પ્રણવ મહેતાએ આ પ્રદર્શનમાં મુકવામાં આવેલી ટેકસટાઇલની અદ્યતન મશીનરીઓ તથા તેના ભવિષ્ય વિશે માહિતી આપી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલા અને ભાવેશ ટેલરે ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.