સુરતની કોરોના મહામારીની વકરતી જતી પરિસ્થિતિને જોતા આગામી ઘણા મહિનાઓ સુધી આ ગણિકા બહેનો માટે કપરો કાળ પુરવાર થવાનો છે. ત્યારે મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય વિકાસ સાથે છેલ્લાં ૯ વર્ષોથી કાર્યરત સંસ્થા ” શક્તિ ફાઉન્ડેશન” દ્વારા સુરત શહેરની ૫૦૦ જેટલી ગણિકા બહેનોને રાશન કીટ, માસ્ક અને સેનીટરી પેડ્સ ની સહાય કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ, ઉધના, સુમુલ ડેરી રોડ અને વરિયાવી બજાર ખાતે પારસ પી.એસ.એમ ના સેન્ટર પરથી આ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ બાબતે વાત કરતા શક્તિ ફાઉન્ડેશન ના ડૉ સોનલ રોચાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલમાં કાર્યરત પારસ પી.એસ.એમ. (પ્રિવેન્ટિવ સોશ્યલ મેડીસીન) વિભાગ ના પ્રતિનિધિ ઉમાબેન પરમાર દ્વારા અમારી સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો અને આ ગણિકા બહેનો ની કપરી પરિસ્થિતિ વિશે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી. એમણે ૫૦૦ જેટલી અત્યંત જરૂરતમંદ એવી બહેનો ની યાદી તૈયાર કરીને, સુરત ના અલગ અલગ વિસ્તારોમાં રહેતી આ બહેનોને મદદ કરવા ટહેલ કરી હતી. અને અમે આ બહેનો ને રાશન કીટ, માસ્ક અને સેનીટરી પેડ્સ નું વિતરણ કર્યું હતું.”

આગામી સમયમાં આ બહેનોનું સ્કીલ ડેવલપમેન્ટ કરીને તેમને સારી આવક ઊભી થાય એ માટે તેમને સિવણની તાલીમ આપી માસ્ક, બેગ, કુર્તી, રેન કોટ, યુનિફોર્મ અને ઇન્ડસ્ટ્રીયલ સુટ બનાવવા જેવી કામગીરી તેમજ ડિઝાઈનર પેપર બેગ, ગિફ્ટ બોક્સિસ બનાવવા જેવી કામગીરી સીખવીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.


