શેરબજારમાં તેજી બેરાકટોક આગળ ધપતી હોય તેમ આજે સેન્સેકસ 40000ને પાર કરી ગયો હતો. સાત મહીનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારમાં આજની સવાર તેજીની બની રહી છે. ટીસીએસ જેવી કંપનીએ પ્રોત્સાહક પરિણામ આપતા અન્ય કંપનીઓની કામગીરી પણ આકર્ષક રહેવાનો આશાવાદ વ્યક્ત થયો હતો. આ સિવાય સરકાર આગામી તહેવારો ટાણે વેપાર ઉદ્યોગ જગતને નવુ રાહત પેકેજ આપશે તેવા આશાવાદે પણ સારી અસર ઉભી કરી હતી. વિદેશી સંસ્થાઓનું જંગી રોકાણ તેજીને ટેકારૂપ હતું.
શેરબજારમાં વન-વે તેજીનો માહોલ
કોરોનાકાળમાં અર્થતંત્રને પ્રચંડ નુકશાન થયુ હોવાની હકીકત છતાં કૃષિવર્ષ સુપરડુપર બની રહેવાના આશાવાદ તથા તેનાથી સમગ્ર અર્થતંત્રને મોટો લાભ થવાની ગણતરીએ શેરબજારમાં કેટલાંક વખતથી વન-વે તેજીનો માહોલ રહ્યો છે.

શેરબજારમાં આજે તેજીની આગેવાની સોફટવેર કંપનીઓના શેરોએ લીધી હતી. ટીસીએસ, ઈન્ફોસીસ, વીપ્રો, એચસીએલ ટેકનો સહિતના શેરો ઉછળતા રહ્યા હતા. આ સિવાય ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક જેવા બેંક શેરો પણ ઉછળ્યા હતા. રિલાયન્સ જેવા કેટલાંક હેવીવેઈટ શેરો નબળા હોવા છતાં તેની માનસ પર કોઈ વિપરીત અસર ન હતી.
પ્રારંભીક કલાકમાં જ 40000ની સપાટી કુદાવી
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ પ્રારંભીક કલાકમાં જ 40000ની સપાટી કુદાવી ગયો હતો. 437 પોઈન્ટ ઉછળીને 40316 સાંપડયો હતો. જે ઉંચામાં 40393 તથા નીચામાં 40183 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 10 પોઈન્ટના ઉછાળાથી 11858 હતો.
આ પણ વાંચો : સુરત ડેવલપમેન્ટ પ્લાનને મુખ્યમંત્રીની મંજૂરી, વિકાસ માટે ખુલશે નવી દિશાઓ
