સુરતમાં સ્મીમેર હોસ્પિટલની પાછળ, ઉમરવાડા ખાતે સુરત મહાનગરપાલિકા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા સંચાલિત આશ્રયસ્થાનમાં 154 ગરીબ ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલ સુરતમાં છેલ્લાં 4 વર્ષથી રહેતાં 58 વર્ષીય શ્યામરાવ અર્જુન પાટિલ છૂટક કામ કરીને ગુજરાન ચલાવતા હતાં, જે આજે નિવૃત્ત છે, તેમનો 21 વર્ષીય પુત્ર મનીષ મંદબુદ્ધિ-દિવ્યાંગ છે. પિતાપુત્ર બંને ઉમરવાડા શેલ્ટર હોમમાં રહે છે, જેમના ભોજન અને આરોગ્ય સહિતની સુવિધા અહીં ઉપલબ્ધ છે.

શ્યામરાવ ખુશી વ્યક્ત કરતાં જણાવે છે કે, ‘હું છેલ્લાં 3 વર્ષથી આ શેલ્ટર હોમમાં રહું છું. હું પહેલાં લિંબાયતમાં રહી છૂટક મજૂરીકામ કરી પુત્ર મનીષનું ભરણપોષણ કરતો હતો. હવે તબિયત સારી રહેતી ન હોવાથી હાલ નિવૃત્ત છું. અહીં મને અને મારા પુત્રને આશ્રય મળતા અમને ભોજન અને આરોગ્ય, કપડા જેવી તમામ જરૂરિયાત સંતોષવામાં આવે છે. અહી મને ઘર જેવો માહોલ મળ્યો છે. મારા દિવ્યાંગ પુત્રની યોગ્ય સારસંભાળ પણ લેવામાં આવે છે. છત્ર પૂરું પાડવા બદલ સરકાર અને સુરત મહાનગરપાલિકાનો ખુબ આભારી છું.’
સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાથી અહીં અન્ય રાજ્યના પણ ઘણા લોકો આવતા હોય છે. કોર્પોરેશન દ્વારા પ્રાપ્ત કરાયેલી વિગતો મુજબ અન્ય રાજ્યના લોકો પણ અહીં ભિક્ષુક તરીકે રહે છે. તેમને પણ યોગ્ય વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશન દ્વારા શેલ્ટર હાઉસમાં જ સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમના માટે યોગ્ય સૂવાની વ્યવસ્થા તેમજ જમવાની અને નાના બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.