સુરત માટે આજનો દિવસ, એટલે કે 6 જાન્યુઆરી ખુબ જ મહત્વનો દિવસ છે. કારણ કે આજ ના દિવસે વર્ષ 1664માં છત્રપતિ શિવાજી મહારાજ સુરતમાં અંબામાતાના દર્શન માટે આવ્યા હતા. ત્યારબાદ તેમણે 6 જૂન 1675માં હિંદવી સ્વરાજની સ્થાપના કરી હતી. શાકંભરી નવરાત્રી અંબાજીરોડ અંબામાતા મંદિરના કિરણ મહારાજે આ શબ્દો શનિવારે કહ્યા હતા.
શાકંભરી નવરાત્રી નિમિત્તે અંબાજી રોડના પ્રાચીન અંબામાતા મંદિરમાં શુક્રવારથી વિશેષ પૂજા અને શૃંગાર કરાઈ રહ્યા છે. પોષ સુદ પૂનમના રોજ માતાજીનો વાર્ષિકોત્સવ પણ છે. આ અંગે મંદિરના કિરણ મહારાજે કહ્યું કે સુરત પ્રાચીન સમયથી સોનાની મુરત તરીકે ઓળખાતું હતું. તેમાં ચોકબજારના ગુજરી ઓવારા પર માલ ફૂરજામાં થઈને પ્રવેશ કરતો હતો.
હિંદવી સ્વરાજની સ્થાપના માટે શિવાજી મહારાજે સુરતમાં લૂંટ કરી હતી. તે સમયે 6 જાન્યુઆરીના દિવસે તેઓ અંબામાતાના દર્શન આવ્યા હતા. આ પ્રસંગે માતાના દર્શન કરી ભેટ ધરાની હિંદવી સ્વરાજના આશીર્વાદ મેળવ્યા હતા. જેઠ સુદ તેરસ સન 1675 માં તેમણે હિન્દવી સ્વરાજની સ્થાપના કરી હતી.
આવા પ્રાચીન અંબાજી મંદિરમાં નવ દિવસ સુધી વિશિષ્ટ પૂજા અને શ્રુંગાર ચાલી રહ્યા છે. સાથે નવરાત્રીના સમાપન દિન પોષ સુદ પૂનમ 10 જાન્યુઆરીના રોજ માતાજીનો વાર્ષિકોત્સવ ઉજવાશે. 11 મોં જાન્યુઆરીએ મહાપ્રસાદી ભંડારનું આયોજન કરાયું છે.
