સુરતમાં હાલ દિવસે દિવસે કોરાનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર સુરત નહી પરંતુ દેશ અને તેની સાથે આખુ વિશ્વ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે, તેવામાં ભાઈ-બહેનના પ્રેમના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોનાને લીધે લોકોની જીવન શૈલી બદલાઈ ગઈ છે તેવામાં તહેવારાને ઉજવવાની રીતમાં પણ બદલાવ જોવા મળી શકે છે.

સોમવારે રક્ષાબંધન છે અને તેમાં પણ કોરોનાને લીધે પરંપરાગત મિઠાઈની જગ્યાએ ઈમ્યુનિટી વધારતી ચોકલેટ માર્કેટમાં આવેલી જોવા મળી રહી છે. કોરોનાકાળમાં જો તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો જ તમે તેનો સામનો કરી શકશો, તેથી આ વખતે રક્ષાબંધનની મિઠાઈઓમાં પણ તેની અસર જોવા મળશે.

આ વખતે ભાઈને માત્ર રાખડી બાંધવા કરતા તે કોરાનાના સંક્રમણથી બચે તેવી પ્રાર્થના પણ બહેનો દ્વારા કરવામાં આવશે. બહેનો ભાઈઓને મિઠાઈમાં પરંપરાગત કાજૂકતરી અથવા ભાઈની પસંદગીની મિઠાઈને બદલે તેની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરે તેવી ચોકલેટ ખવડાવતી જોવા મળશે.

કોરોનાની અસર દરેક ધંધા પર પડી છે, તેવામાં લોકો કોરોના સામે લડી શકાય તેવી વસ્તુઓ બનાવી રહ્યા છે. હોમ મેડ ચોકલેટ બનાવતા લોકોએ પણ આ વખતે તેમના મેનુમાં રેગ્યુલર ચોકલેટની સાથે ઈમ્યુનિટી બુસ્ટર ચોકલેટનો ઉમરો કર્યો છે. આ અંગે હોમ મેડ ચોકલેટ બનાવનાર પારૂલ શાહનું કહેવું છે કે, કોરોના કાળમાં ઈમ્યુનિટી વધે તે આશયથી અમે સુકા ડ્રાયફ્રુટ્સ, સુરજમુખીના બી, કોળાના બીનો ઉપયોગ કરીને એનર્જી બુસ્ટર ચોકલેટો બનાવી રહ્યા છે અને તેની ડિમાન્ડ પણ ઘણી છે.

આવી ચોકલેટો સિવાય લોકો ઘરે ચોખ્ખી વસ્તુ બનાવતા લોકો પાસેથી તેની ખરીદી કરી રહ્યા છે અથવા તો એવી વસ્તુ ગિફ્ટમાં આપવા માટેના ઓર્ડર આપી રહ્યા છે. ઈમ્યુનિટી બુસ્ટર ચોકલેટની સાથે માર્કેટમાં મોતીચુર ક્રીમ, ચીઝ બજાર, સ્પેશિયલ દૂધી હલવા જાર જેવા ઈન્ડો વેસ્ટર્ન ફ્યુઝન જોવા મળી રહ્યા છે.
