કોરોનામાં પરપ્રાંતીયોની મદદ બાદ હવે યુક્રેનના ફસાયેલા ભારતીયોની મદદ અભિનેતા સોનુ સુદ આગળ આવ્યા અને એક મસીહા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારે હવે સોનુ સૂદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ આગળ આવ્યા છે. સોનુ સૂદે યુક્રેનથી રાજકોટ પરત આવેલી યુવતી ક્રાંજ ગોસાઈ સાથે વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તમે હવે મજામાં છો ને? તો ક્રાંજે પણ જવાબ આપ્યો હતો કે સર હું એકદમ મજામાં છું.
જાણો બંને વચ્ચે શું થઈ વાત
સોનુ સૂદઃ કેમ છો, મજામાં?
ક્રાંજઃ એકદમ મજામાં સર, તમે મને મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, મારો પરિવાર તમને આશીર્વાદ આપી રહ્યો છે.
સોનુ સૂદઃ તમે ક્યાંથી છો
ક્રાંજઃ સર હું ગુજરાતના રાજકોટમાં રહું છું.
સોનુ સૂદઃ તમે હવે ઓકે છો ને
ક્રાંજઃ એકદમ ઓકે છું સર, તમે મારી સાથે વાત કરવા સમય આપ્યો તે બદલ આભાર
સોનુ સૂદઃ તમારો પણ આભાર
પોલેન્ડની બોર્ડર પર પહોંચનારી પ્રથમ ગુજરાતી યુવતી ક્રાંજ
સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેન સરહદે ફસાયેલા છે. ક્રાંજ ગોસાઈ પોલેન્ડની બોર્ડર પર પહોંચનારી પ્રથમ ગુજરાતી હતી. ગત રાત્રિએ રાજકોટ પરત આવ્યા બાદ તેણે ત્યાંની ભયાનક સ્થિતિ વર્ણવી હતી. તેણે જણાવ્યું કે, પોલેન્ડ બોર્ડર પાર કરાવવા દરમિયાન યુક્રેનના સૈનિકોએ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી અને સામાન પણ ફેંકી દીધો હતો. સૈનિકોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ અમાનવીય વ્યવહાર કર્યો હતો. વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવેલા સોનુ સૂદે યુક્રેનથી દિલ્હી અને દિલ્હીથી પોતાના શહેર સુધી જવા ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી આપવાની ઓફર કરી હતી. સોનુ સૂદ સતત મદદ માટે અપડેટ પણ મેળવતા રહેતા હતા. યુક્રેન પરના હુમલા દરમિયાન ગુજરાતમાં અમરેલી જિલ્લાના 21 વિદ્યાર્થીઓ યુક્રેન છે જેમાંથી માત્ર 2 પરત આવી ગયા હોવાનું જાણવા મળે છે.