રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર અંતર્ગત હેલ્થ કેમ્પમાં ૨૫૦૦ દિવ્યાંગ ખેલાડીઓની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી
દિવ્યાંગજનો અનોખી શુષુપ્ત શક્તિઓ અને કૌશલ્ય લઈને જન્મ્યા હોય છે: મેયર હેમાલીબેન બોઘાવાલા

સુરત:ગુરૂવાર: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરતના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળ તેમજ પુખ્ત વયના રમતવીરો માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’ યોજાયો હતો. જેમાં આયોજિત વિશેષ હેલ્થ કેમ્પમાં 2500 જેટલા માનસિક દિવ્યાંગ ખેલાડીઓની આરોગ્યની તપાસ કરી આઈ-કેર, ઓરલ હેલ્થ, બહેરાશપણું, પગની દિવ્યાંગતા, ફિટનેસ અને ન્યુટ્રીશન એમ છ કેટેગરીમાં સ્ક્રીનીંગ અને સારવાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલાએ દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન મળે, ખેલક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી ‘રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન’ હેઠળ ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશના 75 શહેરોમાં 75000 ખેલાડીઓને 7500 નિષ્ણાંત તબીબો હેલ્થ ચેકઅપ અને સારવાર આપવામાં આવી છે, ત્યારે દેશના ચુનીંદા કેન્દ્રોમાં સુરત શહેરનો સમાવેશ કરવા બદલ રમતગમત મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યાંગ એ નથી જેનામાં શારીરિક અને માનસિક ક્ષતિ હોય, પરંતુ જેના મનમાં ખોટ હોય એ દિવ્યાંગ છે. અહીં ઉપસ્થિત દિવ્યાંગજનો અનોખી શુષુપ્ત શક્તિઓ અને કૌશલ્ય લઈને જન્મ્યા હોય છે, જેઓ પોતાની મર્યાદાને ઓળંગીને સ્વસ્થ અને સશક્ત વ્યક્તિની બરોબરી કરી રહ્યાં છે.
ધારાસભ્ય વિવેકભાઈ પટેલે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’ એ દિવ્યાંગજનો માટે સંવેદનશીલ પહેલ બની છે એમ જણાવતાં ઉમેર્યું કે, દેશના 750 સ્પોર્ટ્સ સેન્ટરોમાં દિવ્યાંગ ખેલાડીઓનું કૌશલ્યવર્ધન કરી તાલીમ પણ આપવામાં આવી રહી છે, ત્યારે સુરતના બાળ અને પુખ્ત દિવ્યાંગજનોને પણ તેનો બહોળો લાભ મળ્યો છે.

આ વેળાએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને રબરગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરૂકીયાએ વિવિધ યોગમુદ્રાઓ પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.
નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે વિવિધ સ્પર્ધાઓ બંધ રહેવાથી રમતગત ક્ષેત્ર અને રમતવીરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે, ત્યારે દિવ્યાંગજનોને ફરી ઊર્જા અને સ્ફૂર્તિ સાથે પુન: રમતના મેદાનો પર પાછા લાવવા, બૌદ્ધિક દિવ્યાંગ ખેલાડીઓને નવી ઊર્જા પૂરી પાડી તેમની પ્રતિભાને ખીલવવા માટે દેશભરમાં હાઈક્વોલિટી હેલ્થ સ્ક્રિનીંગ પ્રોજેક્ટ હાથ ધરી ‘રિટર્ન ટુ પ્લે-ઈનક્લ્યુઝન રિવોલ્યુશન’ની ઉમદા પહેલ કરવામાં આવી છે. દેશવ્યાપી હેલ્થ કેમ્પોના કારણે ગિનીઝ બૂક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બૂક ઓફ રેકોર્ડ્સ જેવા ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતાં. દેશના કુલ ૭૫ સેન્ટરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદ એમ બે સેન્ટરોનો સમાવેશ કરાયો છે. આ બે શહેરોમાંથી કુલ 10000 ખેલાડીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મહાદેવ ટ્રસ્ટના પ્રતિનિધિ અને ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ના સુરતના કો-ઓર્ડીનેટર કુસુમબેન દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી. પટેલ સહિત દિવ્યાંગ રમતવીરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.