ભારતમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆતથી ઘણા વ્યાપાર ધંધાને માઠી અસર થઇ છે. સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા લોકડાઉન જાહેર કર્યું જેની મોટી અસર એસટી નિગમને ભારે નુકશાન થયું છે. માર્ચ મહિનાથી જૂન મહિના સુધી એસટી બસોનો વહીવટ ઠપ્પ થઇ ગયો હતો. જે જુલાઈમાં ફરી નિયમોની સાથે શરુ કરવામાં આવી છે. પરંતુ, કોરોના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી બસની કેપેસીટી પ્રમાણે બસમાં પેસેન્જર બેસાડી શકાતા નથી. જેના કારણે નિગમની ખોટમાં 40 %નો વધારો થવાની શક્યતા છે.

નિગમને લોકડાઉનમાં 500 કરોડની ખોટ થઇ છે. 1 મે 1960માં એસટી નિગમની શરૂઆત થઇ ત્યારથી નિગમે ખોટ કરી છે. એસટી નિગમનો વાર્ષિક ખોટનો આંકડો 900 કરોડને પાર થઇ ચૂકયો છે. તેમજ સંયુકત ખોટનો આંકડો 4 થી 5 ગણો વધી જાય છે. એસટી નિગમનો વર્ષ 2018-19માં 923.17 કરોડની મોટી ખોટ કરી છે.

એસટી નિગમની 2017-18ની ખોટ રૂ.1907.04 કરોડ હતી. એસટીની આવક વધી છે પરંતુ મોટો ખર્ચ બસોના રિપેર અને કર્મચારીઓના પગારમાં જાય છે. એસટી બસોમાં જુના એન્જીન હોવાથી બસો સૌથી વધુ ડીઝલનું પ્રદૂષણ કરે છે. તેમજ ડીઝલનો ખર્ચ વધી રહ્યો છે. તેમજ સરકારી કાર્યક્રમોમાં એસટી બસોની જરૂરિયાત હોવાથી એસટીની નિગમની ખોટમાં વધારો થાય છે. આ કાર્યક્રમોમાં બસોનું ભાડુ 1,500 કરોડ જેટલું થાય છે. પરંતુ, આ ભાડું એસટીને ચુકવાતું નથી. આ ઉપરાંત કામ નહિ કરતા કર્મચારીઓને પણ નિગમ પગાર અને ભથ્થાં ચૂકવે છે. હાલમાં એસટી પાસે 7,863 જેટલી બસો હોવા છતાં નિગમ ખોટ કરે છે.
આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટએ દાતાઓને આ વસ્તુનું દાન ન કરવા અપીલ
ગુજરાતની વસતી 6.27 કરોડથી વધીને 6.72 કરોડ થઈ હતી, પરંતુ આ ગાળામાં મુસાફરોની અવરજવર 8,410 લાખથી ઘટીને 7,887 લાખની થઈ હતી. નિગમ પાસે ડ્રાઇવર અને કંડકટરના સ્ટાફ પાસેથી પૂરતું કામ લેવામાં આવતું નથી. તેમને એસટી નિગમ ખોટો પગાર આપે છે. ડ્રાઈવર અને કંડકટરનો ઉપયોગ બુકિંગ કલાર્ક તરીકે પણ કરવામાં આવ્યો છે. નિગમને મોટું નુકશાન થવાના કારણે સરકાર પાસે બસસ્ટેશનોનું પ્રાઇવેટાઇઝેશન કરવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.
