પાકિસ્તાનના બાલાકોટ ખાતે આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઈક અંગે વાયુસેના દ્વારા શુક્રવારે એક વીડિયો જાહેર કરાયો હતો ત્યાર બાદ સ્ટ્રાઈકના આયોજન અંગેની વધુ વિગતો લોકો સમક્ષ મૂકાઈ છે. જેમાં કેવી રીતે વિજ્ઞાન અને સેનાએ સાથે મળી 2016ની સર્જીકલ સ્ટ્રાઇક અને 2019ની એર સ્ટ્રાઇકને સફળ બનાવી હતી.
પાકિસ્તાને ઉરી ખાતે આતંકવાદી હુમલો કર્યો એ પછી તેને તેમની રીતે જ જવાબ આપવાનું નક્કી કરી તરત સેનાની ત્રણેય પાંખે રણનીતિ ઘડવાનો આરંભ કરી દીધો હતો અને તેમાં અવકાશ સંશોધન સંસ્થા ISROના ત્રણ સેટેલાઈટ્સએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિસેટ, કાર્સોસેટ અને જીસેટ નામના અવકાશમાં તરતા ઈસરોના આ ત્રણ સેટેલાઈટની મદદથી વાયુ સેના ચુસ્ત આયોજન ઘડીને તેનો ચોટડુક અમલ કરી શકી હતી.
ISROનો સેટેલાઈટ રિસેટની ભૂમિકા
વર્ષ 2009માં અવકાશમાં તરતો મૂકાયેલો 300 કિલોનો આ સેટેલાઈટ ગમે તેવા વિપરિત હવામાન વચ્ચે પણ ધરતી પરની સ્પષ્ટ તસવીરો લેવા માટે સક્ષમ છે. આ શ્રેણીના ઉપગ્રહોનો મુખ્ય ઉપયોગ સીમારેખા પર નજર રાખવા માટે થાય છે. 26/11ના આતંકી હુમલા પછી રિસેટ શ્રેણીના ઉપગ્રહ વડે જમીન અને દરિયાઈ સીમા પર ચોવીશ કલાક નજર રાખવામાં આવે છે. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન આ ઉપગ્રહોએ પાક.કબજા હેઠળના કાશ્મીરની જમીની ગતિવિધિઓ વિશે માહિતી પૂરી પાડી હતી.
ISROનો સેટેલાઈટ કાર્ટોસેટ ભૂમિકા
2005થી અવકાશમાં મૂકાયેલ કાર્ટોસેટ સિરિઝના ઉપગ્રહોને ઈસરોના વૈજ્ઞાનિકો ‘દૈવી આંખ’ (Devine Eyes) તરીકે ઓળખે છે. આ શ્રેણીના કુલ 9 ઉપગ્રહો પૈકી કાર્ટોસેટ-3નો કેમેરા એટલો શક્તિશાળી છે કે પાક.ની કોઈ અગોચર જગ્યાએ ફરતા આતંકવાદીએ કાંડા પર ઘડિયાળ બાંધી હોય તો તેનો સમય પણ જોઈ શકે. વ્યુહાત્મક રીતે હુમલાના સ્થળ તરીકે બાલાકોટની પસંદગી થયા પછી ત્યાંની ભૂગોળ, ઈમારતોના કદ-આકાર અને ખાસ તો ત્યાં પનાહ લઈ રહેલાં આતંકીઓની સંખ્યાનો અંદાજ મેળવવા માટે કાર્ટોસેટનો ઉપયોગ થયો હતો.
ISROનો સેટેલાઈટ જીસેટ ભૂમિકા
ઈસરોના ઉપગ્રહો પૈકી આ ઘણી જૂની સિરિઝ છે, પરંતુ ઈસરોએ સતત અપડેશન વડે તેની ઉપયોગિતા ટકાવી રાખી છે. આ શ્રેણીના કુલ 20 ઉપગ્રહો પૈકી હાલ 14 કાર્યરત છે. ટેલિફોન, વાયરલેસ નેટવર્ક અને ટેલિવિઝન પ્રસારણ માટે આ શ્રેણીના ઉપગ્રહોનો ઉપયોગ થાય છે. એ પૈકી કેટલાંક ઉપગ્રહો દ્વુારા મળતી ફ્રિક્વન્સીનો ફક્ત ભારતીય સૈન્યના સંદેશા વ્યવહાર માટે ઉપયોગ થાય છે. એર સ્ટ્રાઈક વખતે યુદ્ધવિમાનો અને કન્ટ્રોલરૂમ વચ્ચેનો સંપર્ક જાળવવા માટે આ સેટેલાઈટનો ઉપયોગ થયો હતો.