હાલ કોરોના વાયરસને લઇ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે જેને લઇ શાળા કોલેજો પણ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ધરે બેઠા જ સોશિયલ મીડિયાના માધ્યમથી જળવાઈ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલ પ્રયાસોને સફળતા મળી રહી છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે માટે ધો. 3થી 9નાં અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે.
ટૂંકા દિવસોમાં 40% થી મહતમ 80% સુધીના વિસ્તારોમાં સામગ્રી પહોંચાડાઇ

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ ગાંધીનગરથી માઈક્રોસોફ્ટ ટીમ્સનાં નેટવર્ક દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જીલ્લાઓના ડીપીઈઓ, ડીઈઓ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય બીઆરસી, સીઆરસી તથા ખાનગી શાળાના સંચાલકઓ સાથે જીલ્લા કક્ષાએ થઈ રહેલા આ કાર્યની સમીક્ષા કરી હતી. મોટાભાગના જિલ્લાઓમાંથી મળેલા અહેવાલો મુજબ આટલા ટૂંકા દિવસોમાં પણ 40% થી મહતમ 80% સુધીના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે. અને બાકી રહેતા વિસ્તારોને પણ આવરી લેવાશે.
સફળતાપૂર્વક કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી

શિક્ષણ મંત્રી એ આ સફળ કામગીરી બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આ પડકારરૂપ સમય વચ્ચે પણ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સોશિયલ મીડિયાના માધ્યમથી જળવાઈ રહે તે માટે જે કાર્ય થઇ રહ્યું છે તે ખુબ જ પ્રશંસનીય છે. આવા સમયે ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરીને દેશના તમામ રાજ્યોને પહોંચાડી છે. ત્યારે ગુજરાત માટે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે, રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગે આજથી ત્રણ અઠવાડીયા પહેલા આ કામગીરી શરુ કરી દીધી છે. જે આજે સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતનું આ શહેર બીજું વુહાન બનવા તરફ, 24 મિનિટમાં નોંધાય છે 1 કેસ
